________________
મંગલાચરણ
महाव्रतपरा धीरा, भैक्षमात्रौपजीविनः ।
सामायिकस्था धर्मोपदेशका गुरवोमताः ॥ અનંતા તીર્થકરો આપણા દેવાધિદેવ તેમ
મહાવ્રતધારી માત્ર આપણા ગુરૂદેવ
પંચમહાવ્રતોનું પાલન કરવામાં જેઓ ધીર વીર હોય, બેતાળીસ દોષવર્જિત ભિક્ષાથી જેઓ સંયમયાત્રા ચલાવનારા હોય, નિરંતર સામાયિકમાં રહેતા હોય, ધર્મનો જ ઉપદેશ દેતા હોય તેવા અઢી દ્વીપમાં જેટલા મહાપુરૂષો વિચરતા હોય તે બધા આપણા માટે ગુરૂસ્થાને છે. આમાં તે કોઈ એક વ્યક્તિ વિશેષને ગુરૂ માનવાની વાત કયાં રહી? જેમ અનંતા તીર્થંકરો થઈ ગયા તે બધા આપણા દેવાધિદેવ, તેમ જેટલા પંચમહાવ્રતધારી તે બધા આપણુ ગુરૂદેવ, આવી દૃષ્ટિ શ્રાવકો પાસે હોય તો કલિકાલમાં પણ જિનશાસનનું સામ્રાજ્ય એક છત્રી બની જાય. કોઈ મહાપુરૂષે આપણું જીવનમાં ધર્મનું બીજાધાન કર્યું હોય તો કોઈ મહાપુરૂષે - તેની પર સિંચન કર્યું હોય છે. બધા મહાપુરૂષો આપણા માટે પરમ ઉપકારી છે. જૈન સાધુ એક સ્થાને તો રહેતા જ નથી. કોઈ મહાપુરૂષ આપણને ધર્મને રસ્તે ચડાવી જાય તો બીજા મહાપુરૂષો માર્ગમાં વિશેષ પ્રકારે સ્થિરિકરણ કરે ! જેમના ઉપદેશથી પહેલ વહેલો ધર્મનો રસ્તો મલ્યો હોય તેમનો વિશેષ ઉપકાર માની શકાય, છતાં ધર્મનો ઉપદેશ કરનારા બધા મહાપુરૂષો ઉપકારી છે જ.