________________
૪૦૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ધ્યાન પૂર્વક વાંચતા એક વાત ચોક્કસ જણાશે કે તે પૂજ્યવર્ય પોતાનું મંતવ્ય રખે શાસ્ત્ર બાધિત ન હોય તેની ચકાસણીમાં પૂરતી ચીવટ ધરાવતા હતા, જે બાબત આજના કેટલાક અતિ સાહસિક જણાતા ગીતાર્થોએ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. પોતાના શિષ્ય (પૂ.આ. શ્રી અંબૂસૂરિ મ.)ને પત્ર લખતાં પણ એ મહાપુરુષ પોતાની ભવભીરુતા અને લઘુતા ભાવ દર્શાવતા અત્યંત સરળ ભાવે લખે છે કે - “હું તથા મારી શિષ્ય પરંપરા શાસ્ત્ર વિરુદ્ધ માર્ગનું નિરૂપણ કરી દુર્ગતિના ભાજન ન બનીએ તેટલા જ માટે પુછાવવાની જરૂરિયાત પડે છે.” એ જ રીતે મધ્યસ્થ સંઘને લખેલા પત્રમાં પણ બીજી બધી વિગત જણાવ્યા બાદ તેઓ શ્રી ખાસ ભલામણ રૂપે લખે છે કે - “તો તમારે શાસનના બીજા ગીતાર્થ આચાર્યોની તે વિષયમાં સંમતિ લેવી જોઈએ કે જેથી જૈન સંઘમાં ખોટો ઊહાપોહ કે કલહ ઉપસ્થિત થવા પામે નહિ.”
જાણવા પ્રમાણે મધ્યસ્થ સંધે ત્યારે બીજા પણ ગીતાર્થોના અભિપ્રાયો મંગાવ્યા અને તે બધા ઠરાવની વિરુદ્ધ હોવાથી મધ્યસ્થ સંઘે એ ઠરાવ પડતો મૂક્યો. શેઠ મોતીશા લાલબાગ ટ્રસ્ટે પણ ઠરાવ મુજબ કલ્પિત વગેરે ત્રણ ખાતા પાડ્યાનું જાણવામાં નથી. ઊલટું સને ૧૯૬૬માં તો ત્યાં સુધી વપરાયેલું બધું દેવદ્રવ્ય ભરપાઈ કરી ચૂકતે ખર્ચ સાધારણમાંથી કરવાનો નવો ઠરાવ કર્યો, એવી પણ માહિતી મળે છે. વળી એક અતિ મહત્ત્વની અને ખાસ નોંધવા લાયક વાત તો એ છે કે, મહાગીતાર્થ સ્વ. પરમગુરુદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ આ પ્રસંગ પછીના પોતાના સત્તર વર્ષના દીર્ઘ જીવનકાળ દરમ્યાન તત્કાલીન ગીતાર્થ આચાર્યોએ અસંમત કરેલા તે ઠરાવના મુદ્દાનો ક્યાંય પણ અમલ કરાવવાનો લેશ પણ પ્રયત્ન કર્યો નથી, જે તેઓશ્રીની અત્યંત ભવભીરુતા અને હૈયાની ઉમદા સરળતાને પ્રદર્શિત કરે છે.
પંન્યાસજી મ. આ બધી હકીકતથી અજાણ હોય તેમ માનવાને કારણ નથી પરંતુ તેમને સ્વમતિકલ્પિત સિદ્ધાંતોની પુષ્ટિમાં એ બધી વાતો નિરૂપયોગી બલકે વિરુદ્ધ જતી જણાયાથી તેની ઉપેક્ષા કરી હોય તે સ્વાભાવિક છે. પોતાની માન્યતા સિદ્ધ કરવાની ધૂનમાં પ્રસ્તુત પુસ્તકમાં ઘણી ગેરરજૂઆતો અને વિરોધાભાસ પણ જોવામાં આવે છે પરંતુ તે અંગે વિશેષ હવે પછી.