________________
૧૮૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં વપરાય અને જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં તથા દેવકાર્યમાં વપરાય અને સાધારણદ્રવ્ય સાતેય ક્ષેત્રોમાં કામ આવે” - આ જૈનસિદ્ધાંત છે.
– પ્રશ્નના સમાધાન માટે આવશ્યક હોવાથી જ્ઞાનદ્રવ્ય અંગે વધુ સ્પષ્ટતા કરી છે કે, જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં અને દેવકાર્ય એટલે દેવપૂજામાં અને દેરાસરના કાર્ય વગેરેમાં ઉપયોગી થાય છે.
– “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં વપરાય છે.” આવો જૈન સિદ્ધાંત જણાવ્યો છે. પરંતુ તેના માટે વિશેષ વ્યવસ્થા અંગેનો પ્રશ્ન ન હોવાથી સામાન્યથી વ્યવસ્થા બતાવી છે. એટલે દેવકાર્યો ઘણા છે અને દેવદ્રવ્યના પ્રકાર પણ અનેક છે. તેથી પૂર્વે જણાવ્યા મુજબનો વિવેક કરીને તે તે પ્રકારના દેવદ્રવ્યનો તે તે દેવકાર્યમાં ઉપયોગ થાય, એમ વિવેક કરી લેવો.
(૩) પરિશિષ્ટકારે પૃ. ૧૩૧ ઉપર સેનપ્રશ્નના પાઠ નીચે માત્ર “જ્ઞાનદ્રવ્ય એ સ્વદ્રવ્ય ન હોવા છતાં એનો જિનપૂજામાં ઉપયોગ કહ્યો છે”, આટલું લખીને વાત છોડી દીધી છે અને મુદ્દાને ચગાવ્યો નથી. એમાં એવું લાગે છે કે, અમે જે છૂપાવ્યું છે, તે ખુલ્લું થશે, ત્યારે વાસ્તવિક સિદ્ધાંત પ્રગટ થશે અને અમારાં કૂટપ્રયાસનો પર્દાફાસ થઈ જશે એવા ભયથી વિશેષ ચર્ચા ઉપાડી નથી. બાકી જૈનસિદ્ધાંત અનુસાર જ્ઞાનદ્રવ્યનો જિનપૂજામાં ઉપયોગ કરી શકાય છે. (જો કે, વર્તમાનમાં એવો વ્યવહાર નથી.) પરંતુ એનાથી એ ફલિત થતું નથી કે, જ્ઞાનદ્રવ્ય શ્રાવક માટે પરદ્રવ્ય હોવા છતાં તેનાથી જિનપૂજા થઈ શકે, તો શુદ્ધદેવદ્રવ્યથી પણ જિનપૂજા થઈ શકે. કારણ કે, જૈનસિદ્ધાંત જ્ઞાનદ્રવ્યની રજા આપે છે. પરંતુ દેવદ્રવ્યની રજા આપતો નથી. જો દેવદ્રવ્યથી પણ રજા હોય તો પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનદ્રવ્ય માટેનો સિદ્ધાંત જણાવ્યો, તે મુજબ દેવદ્રવ્યના ઉપયોગ માટે પણ લખ્યું હોત કે “દેવદ્રવ્ય દેવપૂજા અને દેવકાર્ય બંનેમાં કામ લાગે છે.” પરંતુ આવું ન કહેતાં માત્ર “દેવદ્રવ્ય દેવકાર્યમાં વપરાય છે.” એમ જ કહ્યું છે.