________________
૧૪૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા છીએ. એને વળગી રહેવું એ સદાગ્રહ છે. પરંતુ કદાગ્રહ નથી, તદુપરાંત, નબળાંદ્રવ્યોથી અમે પ્રભુપૂજન કરવાનું કહેતા જ નથી. પરંતુ શક્તિ અનુસાર ભાવોલ્લાસ કેળવીને કરવાનું કહીએ છીએ.
વળી, ગ્રંથકારોએ જેની પાસે જેટલી શક્તિ હોય તે મુજબ યથાશક્તિ પૂજા કરવાનું કહ્યું છે. પરંતુ દેવદ્રવ્યમાંથી પૂજા કરવાનું કહ્યું નથી. પારકા પૈસે દિવાળી કરવાની વાત કોઈ ગ્રંથકારોએ કે પૂ. પૂર્વમહાપુરુષોએ કહી નથી.
વળી લેખકશ્રીએ દેવદ્રવ્યનો અર્થ જિનભક્તિ સાધારણ સ્વરૂપ કલ્પિત દેવદ્રવ્ય કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ પણ કર્યું છે. કારણ કે, સ્વપ્ન આદિની ઉછામણીથી પ્રાપ્ત દ્રવ્યને કલ્પિતદેવદ્રવ્ય કહેવું અને એને જિનભક્તિસાધારણ તરીકે જણાવવું, એ શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ છે. શાસ્ત્ર અને પરંપરાથી સ્વપ્ન આદિની ઉછામણીનું દ્રવ્ય શુદ્ધ દેવદ્રવ્ય જ ગણાય છે. તે કયારેય કલ્પિત દેવદ્રવ્ય ગણી શકાય નહીં અને શુદ્ધ દેવદ્રવ્યનો ઉપયોગ જિનાલયના જીર્ણોદ્ધાર આદિમાં જ થાય છે. તેનો ઉપયોગ જિનપૂજાના દ્રવ્યોમાં ક્યારેય ન થઈ શકે. એટલે શુદ્ધ દેવદ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યનું નામ આપી દેવું અને સંઘોમાં પ્રસિદ્ધ જિનભક્તિ સાધારણ” કે જે વાસ્તવમાં પૂજા દેવદ્રવ્ય છે, એને કલ્પિત દેવદ્રવ્ય સ્વરૂપ કહી દેવું, એ એક પ્રકારની રમત છે. જેનાથી મુગ્ધજનો ગેરમાર્ગે દોરવાય છે અને શાસ્ત્રીય પ્રણાલિકાઓનો લોપ થાય છે. જેનાથી દુરંત ફળની પ્રાપ્તિ થાય છે. | (B) “B' વિભાગમાં લેખકશ્રી જે કહે છે, તે અંગે તેમને પ્રશ્ન છે કે, (૧) જો દ્રવ્યનું મહત્ત્વ ન જ હોય તો ષોડશક આદિ ગ્રંથોમાં દ્રવ્યશુદ્ધિની અનિવાર્યતા શા માટે બતાવી? એ જવાબ આપશો !
(૨) જો દ્રવ્યનું મહત્ત્વ ન હોય અને અંતઃકરણનું જ મહત્ત્વ હોય તો, અલ્પશક્તિવાળો શ્રાવક નબળાં દ્રવ્યોથી પ્રભુપૂજન કરે તો એમાં એમની સાથે અન્યાય થઈ રહ્યો છે, એવી બૂમાબૂમ શા માટે કરો છો?