________________
૧૧૩
પ્રકરણ - ૪: શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? પ્રયાસ માત્ર કર્યો છે. તેની પણ વિચારણા કરી લઈએ –
(અ) છ'રીપાલિત સંઘો, સ્વામી વાત્સલ્યો વગેરેમાં જોડાતા આરાધકો પરદ્રવ્યથી ધર્મસેવન કરે છે, તેવું કહેવું સાચું નથી. તદ્દન ખોટું છે. તેવા સામૂહિક અનુષ્ઠાનોમાં જોડાતા શ્રાવકો પરદ્રવ્યથી ધર્મસેવન કરવા નથી જોડાતા. પરંતુ (૧) આયોજકના આમંત્રણને સ્વીકારીને આયોજકને સાધર્મિક ભક્તિનો લાભ આપવા જાય છે. (૨) આયોજકના ઉત્સાહને વધારવા જાય છે અને (૩) સામૂહિક આરાધનાઓ ભાવોલ્લાસ વૃદ્ધિની નિમિત્ત હોવાના કારણે પોતાનો ભાવોલ્લાસ વધારવા પણ જાય છે.
- સાધર્મિકના આમંત્રણને સ્વીકારીને એવા આયોજનમાં જવું અને તેમને સાધર્મિક ભક્તિ કરવામાં અનુકૂળ બનવું - આ બંનેને કોઈપણ શાસ્ત્ર અનુચિત ગણાવ્યું નથી અને એમાં પરદ્રવ્યથી ધર્મ કરી લેવાની વૃત્તિ પણ હોતી નથી. તથા એવા આયોજનોમાં જોડાતા શ્રાવકો પ્રભુપૂજા આદિ સ્વદ્રવ્યથી જ કરતા હોય છે અને અન્ય ધર્મકાર્યોમાં પોતાના દ્રવ્યનો વ્યય પણ કરતા હોય છે.
– તદુપરાંત, ષોડશક વગેરે ગ્રંથોમાં ભાવશુદ્ધિને પામવા માટે ધર્માનુષ્ઠાનમાં સ્વદ્રવ્યમાં અન્યના દ્રવ્યને જોડવાનો નિષેધ કર્યો છે અને સામુહિક ધર્માનુષ્ઠાનોમાં તેવા અન્યના દ્રવ્યનો સંશ્લેષ હોય તો તેના પુણ્યનો લાભ અન્યને પ્રાપ્ત થાય એવી ભાવના ભાવવાની કહી છે, તે વાત અને છ'રીપાલિત સંઘો આદિમાં પરદ્રવ્યથી થતી સામુહિક આરાધનાઓમાં જોડાવામાં હરકત નથી એ વાત, આ બંનેનો યોગ્ય સમન્વય ઉપર મુજબ કરવામાં આવશે તો કોઈ શંકા રહેશે નહીં.
પ્રશ્નઃ આજે સંઘોમાં દેવકા સાધારણ કે સર્વસાધારણની ટીપ થાય છે અને એમાં પૂજાની સામગ્રી લાવીને વ્યવસ્થા થાય છે. શ્રાવકો એ સામગ્રીથી પૂજા કરે જ છે. એટલે એની પૂજાની સામગ્રી પરદ્રવ્યથી જ આવેલી છે. છતાં એમાં તમારો પક્ષ વિરોધ કરતો નથી અને બીજી બાજું પરદ્રવ્યથી પ્રભુપૂજા કરવાની ના પાડે છે. તો આ બેવડી નીતિ કેમ રાખો છો?