________________
[ ૬૪ ]
ગૃહસ્થ ધર્મ
છૂટી શકતા નથી.
ધન કમાવા નિમિત્તે પરદેશ જવામાં ધર્મ તરફની અગવડ ન નડતી હોય, પોતાનો ધર્મ સારી રીતે સચવાતો હોય, પોતાના સહવાસીઓ જાગૃતી આપનાર હોય અથવા પોતે દૃઢ શ્રદ્ધાળુ હોય તો વિદેશમાં જવાની હરકત નથી.
પોતાના દેશમાં ધન કમાવાનાં સાધનો ઓછાં હોય તો પરદેશથી પણ વ્યાપારાદિ દ્વારા ધન પોતાના દેશમાં ખેંચી લાવવું તેમાં જરાપણ હરકત જેવું નથી.
જેઓની દૃષ્ટિ સત્ય આત્મા તરફ વળેલી છે. દેહ નિર્વાહના સાધનો આ દેશમાં જરૂરિયાત જેટલાં જેને મળી રહે છે. કુટુંબાદિનો નિર્વાહ ઘણી સહેલાઈથી થઈ શકે છે તેવા ધર્માત્મા જીવોએ તો લોભને કાબુમાં લાવવા નિમિત્તે તથા લાંબા પ્રવાસ કે હિંસાવાળા વ્યાપારથી થતી હિંસા અટકાવવા નિમિત્તે આ વ્રતનું પરિમાણ કરવાની ખાસ જરૂર છે.
જેમ વિંછી કે સર્પાદિકનું ઝેર મંત્રાદિના બળે, આખા શરીરમાં ફેલાયેલું હોય ત્યાંથી ડંખવાળી મર્યાદામાં (સ્થાને) લાવી મૂકાય છે તેમ વિવિધ પ્રકારની ઇચ્છાઓ જે આ દુનિયાનાં સર્વ સાધનો મેળવી લેવા માટે મન મારફતે આ દુનિયામાં ફેલાયેલી છે. તેને આ વ્રત દ્વારા નિયમિત પ્રમાણમાં લાવી મૂકવામાં આવે છે તેનું નામ દિશાવ્રત છે. બાહ્ય દિશાના નિયમ સાથે મન પણ તેટલી જ મર્યાદામાં રહીને વિચારો કરે છે. મતલબ કે મનને અમુક પ્રમાણવાળી મર્યાદામાંથી જ પોતાને જોઇતી જરૂરીયાતો પૂરી પાડવાની ટેવ પાડવામાં આવે છે.
આ બાહ્ય દિશા પ્રમાણના રૂપકથી મનને આખી દુનિયાના વિષયોમાં ફરતું અટકાવી છેવટે પોતાના સ્વરૂપમાં લાવી મૂકવાની આંતર સૂચના કરવામાં આવી છે એ આ વ્રતનું ગુપ્ત રહસ્ય છે.