________________
બીજું સત્યવ્રત મૃષાવાદ વિસ્મરણ વ્રત
-
[ ૪૩ ] જીવોનો સંહાર થાય તેવા વચનો બોલવા તેનાં કરતાં મૂંગા જીવો વધારે સારા છે કે જેઓ અન્ય જીવોને નુકસાન તો કરતા નથી. જેના મુખમાંથી અસત્ય ભાષણરૂપ દુર્ગંધિત પ્રવાહ વહન થયા કરે છે, તેવા મનુષ્યોને શરીર શુદ્ધિને અર્થે સ્નાન કરતા દેખીને વિદ્વાન પુરુષો તેઓની હાંસી કરે છે ધન્ય છે તે મનુષ્યોને ! કે જેમના કરુણારસથી ભરપુર હૃદયને સ્પર્શીને નીકળતા વચન કિલ્લોલથી પ્રાણીઓને પરમશાંતિ મળે છે. ચંદ્ર, ચંદન, મણી અને માલતીનો સમુદાય તેવી શાંતિ નથી આપતો કે જેવી કાનને પ્રિય, મધુરવાણી શાંતિ આપે છે. સત્ય બોલનારા મનુષ્યો ચંદ્રની માફક જગતમાં આનંદની વૃદ્ધિ કરે છે. દેવો તેમની કીર્તિનું યશોગાન કરે છે.
તત્ત્વજ્ઞાની, સત્યની સીમાનું અવલંબન કરનાર સત્પુરુષોના ચરણ સ્પર્શ માત્રથી પણ પૃથ્વીતળ પવિત્ર બને છે. વ્રત, શ્રુત, વિદ્યા, વિનય, ચારિત્ર અને જ્ઞાનાદિ ઉત્તમ ગુણોનું બીજ સત્ય વ્રત છે. સત્ય પ્રતિજ્ઞાવાળા અને પવિત્ર માર્ગનું અવલંબન કરનારા જીવોને દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત, સર્પ, સિંહ ઇત્યાદિ દુષ્ટ જીવો વિઘ્ન કરવા કે દુઃખ દેવાને સમર્થ થતા નથી.
મૂંગા થવું, બુદ્ધિની વિકળતા, મૂર્ખતા, બહેરાપણું, જીભ તથા મોઢાના રોગ ઇત્યાદિ અસત્ય વચન બોલવાનાં ફળો છે, એમ જાણીને અસત્ય બોલવાનો કઠોર બોલવાનો નિર્દયતાવાળાં વચનો બોલવાનો કે પરને કોઇ પણ રીતે આઘાત થાય કે નુકસાન થાય તેવું બોલવાનો અવશ્ય ત્યાગ કરવો જોઇએ. થોડું પણ અસત્ય ન બોલવું છતાં જેઓ તેમ ન કરી શકે તેમણે પાંચ મોટા અસત્યનો તો અવશ્ય ત્યાગ કરવો જ જોઇએ.
-
(૧) કન્યા સંબંધી (૨) ગાય સંબંધી (૩) જમીન સંબંધી (૪) થાપણ ઓળવવી (૫) જૂઠી સાક્ષી ભરવી. આ પાંચ મોટા