________________
ત્રીજા પ્રકારનો જાપ
[ ૧૭ ] ધરાવતું નથી. કર્તવ્ય કે અકર્તવ્ય તેનું ભાન વિચારથી થાય છે; અને આજ સુધી શું ફાયદો કે ગેરફાયદો થયો તે પણ વિચારથી જ જાણી શકાય છે. કોઇ પણ કામ કરતાં આ કામ શા માટે કરવું જોઇએ ? અને આટલા દિવસ પ્રયત્ન કર્યો તેનું પરિણામ શું આવ્યું ? તેનો વિચાર અવશ્ય કરવો જ જોઇએ.
પ્રયત્ન કર્યા છતાં કાંઇ ફાયદો ન જણાય તો સમજવું જોઇએ કે આપણો પ્રયત્ન યોગ્ય દિશામાં થતો નથી. અથવા જેને માટે પ્રયત્ન કરીએ છીએ તેનું કારણ કોઇ બીજી જાતનો પ્રયત્ન હોવો જોઇએ. બીજ વાવીએ અને અમુક મુદત સુધી અંકુરો પણ ન ફુટે (ફળની વાત દૂર રહી) તો સમજવું જોઇએ કે કાં તો જમીન ખારી હોવી જોઇએ અને કાં તો બીજ બળી ગયેલું હોવું જોઇએ નહિતર યોગ્ય પ્રયત્ન છતાં પરિણામ કેમ ન આવે ?
પ્રયત્ન કરવા યોગ્ય છે કે નહિ તેનો વિચાર બરોબર કરવો જોઇએ. કેટલીક વખત બીજ વાવીને તરત જ ફળની આશા રાખનારા નિરાશ થાય છે તેમ ન જ થવું જોઇએ. અમુક મુદતની હદ તો જોઇએ જ. ત્યાર પછી જ ફળ ન આવે તોપણ અંકુરો તો ફૂટવો જોઇએ. નાના છોડવાનું રૂપ બીજે લેવું જ જોઇએ. તોપણ તેનાથી અમુક કાળે ફળ આવશે તેમ ધારણા બાંધી ધીરજ ધારી શકાય છે. આવી જ રીતે જે કર્તવ્ય કરો તેના ઊંચા ગુણો તત્કાળ ન પ્રાપ્ત થાય તોપણ હૃદયમાં શાંતિ, વિક્ષેપ ઓછા, આશા તૃષ્ણામાં સુધારો કષાયની મંદ પરિણતિ, ઇત્યાદિ અંકુરાઓ તો દેખાવા જ જોઇએ.
આ પ્રમાણે ઉત્તમ વિચારોમાં કેટલોક વખત પસાર કરવો અને તેમાં પોતાનું જીવન તપાસી જઇ દુર્ગુણોને હઠાવવા અને સદ્ગુણોને વધારવા માટે ચોક્કસ નિર્ણય કરવો અને આખો દિવસ તે પ્રમાણે વર્તન કરવું, સાંજે પાછી પોતાની પ્રવૃત્તિ અને પ્રગતિ તપાસી જવી.