________________
કાળજ્ઞાન
[ ૧૯૯ ]
માફક મહાન ખરાબ દુર્ગંધ શરીરમાંથી નીકળે અને શરીરનો વર્ણ બદલાય તો તે ત્રીજે દિવસે મરણ પામે.
પોતાની નાસિકા, જીહ્વા, ગ્રહો, નિર્મળ દિશા અને સપ્તઋષિના સાત તારાઓ તે જોવામાં ન આવે તો બે દિવસે મરણ થાય.
ભ્રકુટી ન દેખાય તો નવ દિવસે મરણ થાય, કાનમાં આંગળીઓ નાખી બંધ કરવાથી અંદર જે શબ્દ થતાં સંભળાયા છે તે ન સંભળાય તો પાંચ દિવસે મરણ થાય. નાકની ડાંડીનો અગ્ર ભાગ ન દેખાય તો સાત દિવસે મરણ થાય.
આંખની કીકી ન દેખાય તો ત્રણ દિવસે મરણ થાય અને જીભ ન દેખાય તો એક દિવસે મરણ થાય.
ઇત્યાદિ જાણવા માટે અનેક ઉપાયો કાળજ્ઞાન, રિષ્ટ સમુચ્ચય, યોગ શાસ્ત્રાદિ ગ્રંથોમાં બતાવેલ છે તે ઉપરથી મરણનો નિશ્ચય કરવો.
અથવા મરણ વહેલું આવે કે મોડું આવે પણ બધી તૈયારીઓ આગળથી કરી રાખવી. મનમાં પશ્ચાતાપ ન થાય કે અમુક ઉત્તમ કાર્ય કરવાનું હું ભૂલી ગયો, બાકી રહી ગયું કે કરી ન શકયો.
છેલ્લા પ્રસંગે વિશેષ પ્રકારે સર્વ જીવોને ખમાવવા, કોઈ સાથે વેર વિરોધ ન રાખવો, કરેલા પાપનો પશ્ચાતાપ કરવો, વ્રતો ફરી ગ્રહણ કરવાં, અથવા મહાવ્રત ઉચ્ચરી લેવાં. ધર્મનાં કાર્યો પોતાના હાથે થયેલ હોય તેની અનુમોદના કરવી દેહાદિ ઉપરથી મમત્ત્વનો ત્યાગ કરવો, અણસણ કરવું, પરમેષ્ઠિ મંત્રનું સ્મરણ રાખવું, અરિહંત, સિદ્ધ સાધુ અને ધર્મનું શરણ લેવું, અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કરવો, અને આત્માની અમરતામાં મનને લીન કરી દેવું. ભ્રકુટીમાં મનને સ્થાપન કરી ધીમે ધીમે શ્વાસને મંદ કરી નિરંજન, નિરાકાર સ્વરૂપની ધારણા કરી મનને બ્રહ્મરંધ્રમાં સ્થિર કરી દેહનો ત્યાગ કરવો.