________________
અંતિમ કર્તવ્ય
[ ૧૭ ] સ્વાર્થી કે લોભી મનુષ્યો તેનો સદુપયોગ કરતાં નથી. કરે છે તો યોગ્ય જરૂરિયાતને માર્ગે નથી થતો. કેટલાક તો મરવા પડ્યા પછી ને બેભાન થાય ત્યારે કહે છે કે બાપા! હજાર રૂપિયા તમને પુન્યના આપું છું. તમારી પાછળ ખર્ચીશ. પણ અફસોસ! બેભાન સ્થિતિવાળો માણસ સાંભળે તો અનુમોદન કરે ને! આવી સ્થિતિ ન થાય તે માટે પોતાને હાથે જરૂરિયાતવાળા સ્થળે તેનો ઉપયોગ કરી દેવો. અને પછી ઘર દ્રવ્યાદિ ઉપરથી પોતાનો મમત્વભાવ ઉઠાવી લેવો.
પોતાનું આયુષ્ય કેટલું છે તેનો નિશ્ચય કરવો. આ નિશ્ચય દૈવિક પ્રયોગથી કે કાળજ્ઞાનથી કરવો.
આયુષ્ય કેટલું બાકી છે તેનો નિર્ણય થતાં જાગૃતિ કોઈ જુદા જ પ્રકારની રહે છે. ક્ષણે ક્ષણે તે દેહના મરણની નજીક જતો હોવાથી ઉપયોગની જાગૃતિ સૂક્ષ્મ યાને તીવ્ર રહે છે. કેમ કે તેણે દુનિયાની તમામ આશા, ઇચ્છા અને જાનમાલથી હાથ ઉઠાવી લીધેલા હોય છે એટલે મનનું ખેંચાણ કરે તેવું કોઈ સ્થાન રહેલું ન હોવાથી પોતાના સ્વરૂપ તરફ જ તેની લાગણીઓ વળેલી હોય છે.
આ પ્રસંગે કોઈ આત્મજ્ઞાની ગુરુનો સમાગમ થાય. આજુબાજુ હોય અને ત્યાં ચડી આવે તો તો પછી ખરેખર તેનો ભાગ્યોદય થયો જ સમજવો. કારણ કે તે ગુરુ પણ આત્મભાનમાં પૂર્ણ જાગૃત હોવાથી તેના તરફથી મળતી સાવચેતી અલૌકિક હોય છે, ભૂલાયેલું ભાન જાગૃત કરાવે છે, અને કોઈ નજીકનો જ્ઞાન કે યોગનો માર્ગ બતાવી તેની મનોવૃત્તિઓને આત્મપ્રવાહ વાહ-વહન કરનારી કરી દે છે. આવા ગુરુનો યોગ મહાન ભાગ્યોદય હોય તો જ મળી આવે છે, તેના અભાવે સારા વિચારવાળા માણસોને પાસે રાખવા તે પણ સારું છે.