________________
બાળકો ઉછેરવાની કાળજી
[ ૧૬૭ ] અજ્ઞાન બાળકોને જ્યારે પોતાની ફરજનું ભાન થાય છે ત્યારે કાં તો વર મૂર્ખ કે રોગી યા તો વિવિધ પ્રકારનાં દૂષણોવાળો હોય છે. અને કાં તો સ્ત્રી અજ્ઞાન, ભાવથી લૂખી, શુષ્ક, પ્રેમ વિનાની, ખોડ ખાંપણવાળી, મૂર્ખ કે દુર્ગુણી હોય છે તેથી આપસમાં સ્નેહ બંધાતો નથી, તેમ જાત જાતના બંધનો પ્રમાણે એક બીજાઓને છોડીને કોઈ બીજા સાથે લગ્નના સંબંધથી જોડવાતું નથી. પરિણામે જીવન કલેશમય નીવડે છે, અનિચ્છાએ વ્યવહાર ચલાવવો પડે છે પણ તે ઉપરનો જ. વળી કદાચ રોગાદિ કારણે પતિના દેહનો વિયોગ થયો તો લગ્ન શું છે તે સમજવા પહેલા વિધવાશ્રમ સ્વીકારવો પડે છે. આવા સેંકડો કજોડાંઓ અત્યારે આ દેશમાં વિદ્યમાન છે કે જેઓ પોતાના આ લગ્ન સંબંધ જોડનાર માતાપિતાઓના કામને ધિક્કારે છે, અને કળકળતા હૃદયે જન્મપર્યત શ્રાપ આપે છે, આવા અજ્ઞાનતા ભરેલા વ્યવહારનો જો તે માતાપિતાઓ યા જ્ઞાતિ જાતિના આગેવાનો ત્યાગ નહિ કરે યા તો તેમાં સુધારો વધારો નહિ કરે તો થોડા જ વર્ષમાં એવો પ્રસંગ અનુભવવાની તેમને ફરજ પડશે કે, માતાપિતાઓએ કેળવણી આપી બાળકોને તૈયાર કરવા અને ત્યાર પછી તેઓના લગ્નને માટે તેમને માથે જ ફરજ રહેવા દઈ પોતે તે કામ ઉપરથી પોતાના હાથ ઉઠાવી લેવા અર્થાત્ મોટી ઉંમરના પુત્ર પુત્રીઓ પોતાને માટે પતિ પત્નીઓને પસંદ કરીને પરણશે અને ચાલુ લગ્ન કરવાનો કોન્ટ્રક્ટ જે માતાપિતાએ માથે લીધો છે તેમાંથી તેમણે પોતાનું રાજીનામું આપવું પડશે.
આ સાથે એક કરતાં અધિક સ્ત્રીઓ કરવાનો અને તેના સબબે કેટલાકને જીવન પર્યત કુંવારી જિંદગી ગાળવાના પ્રસંગો અત્યારે અનેક જ્ઞાતિઓમાં દેખાય છે તેને માટે પણ તે કુંવારા યુવાનિયાઓ વિચાર કર્યા વિના રહેશે નહિ.