________________
[ ૧૬૮ ]
ગૃહસ્થ ધર્મ
(૧૪ો સાસુની વહુ પ્રત્યે ફરજ
સાસુઓએ પોતાની પુત્રવધૂને પોતાની પુત્રી સમાન સમજીને તેની સાથે વર્તન કરવું. શરૂઆતમાં નવીન ઘરમાં અણ- માહિતગાર વહુએ અનેક ભૂલો કરવાનો સંભવ છે તે સર્વ દરગુજર કરતાં શીખવું અને પ્રસંગે મીઠા શબ્દોમાં શિખામણ આપીને ધીમે ધીમે તેની ભૂલો સુધારવા પ્રયત્ન કરવો. મોટા નાનાની મર્યાદા રાખતાં શીખવવું. ઘેર આવેલાઓની માવજત કરવાનું સમજાવવું સાધુ સંતોનું સન્માન કરવાનું બતાવવું, સુવા બેસવાની, નાહાવા ધોવાની, પેશાબ-પાણી, કરવાનાં સ્થાનોની શરૂઆતમાં ગોઠવણ કરી આપવી યા બતાવવા, નહિતર શરમમાં રહેતાં શરીરમાં રોગ થવાનો અથવા મર્યાદા મૂકવાનો પ્રસંગ આવે છે. વસ્ત્ર ઘરેણાં વગેરેથી યોગ્ય રીતે વહુનો સત્કાર કરવો. પ્રેમભરી તથા અનુકૂળ લાગણીઓ વડે સાસુએ વહુનું મન પોતાને સ્વાધીન કરવું જેથી કુટુંબમાં ભેદ પડવાનો, જુદા થવાનો કે કલેશ કરવાનો પ્રસંગ ન આવે. સર્વ પુત્રોની સ્ત્રીઓ પ્રત્યે સરખો ભાવ રાખવો અને પોતાની પુત્રી કરતાં પણ વહુને અધિક ગણવી. આ વર્તનથી વહુ સાસુને માતા સમાન લેખે તેમાં શી નવાઈ ? અને ઘરમાં સંપ બન્યો રહે તેમાં આશ્ચર્ય શું ?