________________
_ગૃહસ્થ ધર્મ
[ ૧૬૨ ] આપણા કુળમાં તારા વડીલોએ મહાન બહાદુરીના કાર્યો કર્યા છે, તેનો પુત્ર થઈ તું જરાપણ પાછો હઠતો નહિ.
તારા પૂર્વજોએ કેટલાં પરમાર્થના કાર્યો કર્યા છે ! કેવા દેશાંતરો ખેડ્યા છે ! કેટલી અઢળક દોલત મેળવી હતી ! તારે તેનાથી પણ આગળ વધારે વધવાનું છે. તેઓ કેવા બુદ્ધિમાન હતા! દેશ ઉપર આવતાં વિપત્તિના વાદળો તેમણે બુદ્ધિબળથી વિખેરી નાખ્યાં હતા. રાજ્યતંત્રો તેમને આધિન હતા. રાજ્યના તેઓ વડીલ પ્રધાન હતા રાજ્યતંત્રો તેઓ જ ચલાવતા ! દેશમાં શાંતિ તેઓએ જ પાથરી હતી ! તેઓ કેવા ઉદ્યોગી હતા ! તેમણે કેવા હુન્નરો શોધી કાઢ્યા હતા! તેઓ કેવા સાહસિક હતા! તેમના નામથી દેશ કંપતો ! મારા વ્હાલા પુત્ર ! તારે પણ તેઓથી અધિક થવાનું છે !!
ઈત્યાદિ જે જે સગુણોની ખામી બાળકમાં જણાતી હોય, અથવા જે જે સદ્ગુણ ખીલવવાની જરૂરિયાત જણાય તે તે સંબંધી ઉત્સાહ વધે, લાગણી સતેજ થાય, તેના સંસ્કારો બીજરૂપે દઢ રોપાય, તેવા તેવા વિચારોથી બાળકનું હૃદય ઉશ્કેરવું અને બાળક તેવી ચેષ્ટા કરે, તેવું બોલે કે મોટો થતાં આવો થઈશ ને તેવો થઈશ આમ કરીશ ને તેમ કરીશ, ત્યાં સુધી તે તે વાતના દઢ સંસ્કારો માતાએ તેના મગજ પર ઠસાવવા.
જોઈ લો પછી તે બાળકની સ્થિતિ અને તેના કર્તવ્યો. મોટો થતાં જ તે બાળપણાના દઢ થયેલા સંસ્કારો પ્રમાણે જ વર્તન કરશે. અને કુટુંબ, નાત, ધર્મ તથા દેશનો ઉદ્ધારક તે બનશે. માતાએ બાળકોને નવરાવી ધોવરાવીને સાફસૂફ રાખવાં. ભલે ભારે કપડાં પહેરાવવા ન હોય પણ મેલાં, ગંદા, તેની તંદુરસ્તી બગડે તેવાં કપડાં તો પહેરાવવા જ નહિ, પણ સાદા, ધોયેલા અને સ્વચ્છ કપડાં પહેરાવવાં.