________________
[ ૧૪૮ ]
--
ગૃહસ્થ ધર્મ
લાભ કાંઈ થતો નથી. આ અશુભ કથાઓથી કલુષિત (મલિન) થયેલા મનવાળો મનુષ્ય પોતાના વિવેક રત્નનો નાશ કરે છે.
એકાંત વખત મળતાં શાંત ચિત્તે બેસી મનુષ્યોએ તીર્થકર, ગણધરદેવ અને મહર્ષિઓના જીવનચરિત્રો યાદ કરવાં. તે રસ્તે ચાલવાનો નિશ્ચય કરવો. પોતાના પૂર્વજો જે ઉત્તમ રસ્તે ચાલેલા હોય તેનું અનુકરણ કરવા તત્પર રહેવું, અથવા તત્ત્વજ્ઞાનનો નિશ્ચય કરવો, સત્ય સમજવું, અન્યને સમજાવવું, પરોપકારી જીવન ગુજારવાનો નિશ્ચય કરવો, અન્યને સારા રસ્તા પર દોરવવા, આ અને તેવા જ બીજા ઉત્તમ રસ્તે અનુકૂળ વખતનો તેનો સદુપયોગ કરવો.
આવી સત્કથા, ધર્મકથા કરનાર અને તેમાં પ્રીતિ રાખનાર મનુષ્ય સત્ય સમજે છે અને તેને મેળવવાને માટે પૂર્ણ લાયક થાય છે. માટે વિચારવાનોને યોગ્ય છે કે તેમણે નિરંતર શુભ કથાઓમાં જીવન વ્યતીત કરવું. બાળકો ! તમે પણ આ રસ્તે ચાલજો.