________________
શાંત પ્રકૃતિ
[ ૧૩૯ ] છે કે જ્યારે ક્રોધાદિ કષાયોની મંદતા, મનની સ્થિરતા અને આત્માની ઉજ્જવળતા થયેલી હોય છે, સંસારની વિષમતાવાળી વિવિધતા અનુભવવામાં આવી હોય છે, દુનિયામાંથી આશ્ચર્ય લાગવા જેવું જેને કાંઈ હોતું નથી, જેનું જીવન પરોપકારી થયેલું હોય છે, આવા મનુષ્યોના હૃદયમાં જ શાંતિ હોવાથી તેની પ્રભા બહાર મુખ ઉપર આવી રહેલી હોય છે. જે વૃક્ષના મૂળમાં અગ્નિ લાગેલો હોય છે તેનો બહારનો દેખાવ પત્ર પુષ્પ ફલાદિ વિનાના બળી ગયેલા કે સુકાઈ ગયેલા વૃક્ષના જેવો જ હોય છે પણ જે વૃક્ષના મૂળમાં વિશેષ ખાતર અને પાણી હોય છે તે વૃક્ષ, પત્ર, ફળાદિથી નવપલ્લવિત અને સુંદર ઘટાવાળું સુશોભિત હોય છે, તેમ જેના હૃદયમાં શાંતિ નથી તેનો ઉપરનો શાંતિવાળો દેખાવ નકામો છે. ઢોંગ છે, દંભ ભરેલો છે, પણ જેના અંતરમાં શાંતિ છે તે જ ખરી શાંતિ છે તેના બાહ્ય અંતર બને દેખાવો, ગમે તેવા પ્રસંગે પણ શાંતિમય સૌમ્યતાવાળા જ હોય છે. અનેક મનુષ્યો આવા મનુષ્યોનો આશ્રય કરીને રહે છે. તેનો શાંતિમય દેખાવ જ બીજાને પોતા તરફ આકર્ષે છે તેની પાસેથી જ્ઞાન, ધ્યાન, સદુપદેશ કે ઉત્તમ શિક્ષણ ગમે તે માણસ ઘણી સહેલાઈથી લઈ શકે છે. તેવા મનુષ્યને ઘણે ભાગે કોઈ સાથે વિરોધ હોતો નથી. અને તેનું જીવન પરોપકારમય હોય છે. આવા મનુષ્યો ઘણી સહેલાઈથી ધર્મનું આરાધના કરી શકે છે. પિત્ત પ્રકૃત્તિવાળા મનુષ્યની પ્રકૃતિ કદી શાંત થઈ શકતી નથી. સહેજ નિમિત્ત મળતાં તેનામાં ક્રોધ કે અશાંતિ પ્રગટ થઈ આવે છે. આવી પ્રકૃતિવાળાએ પિત્તને ઉત્તેજન મળે તેવો ખોરાક ન ખાવો પણ સાત્વિક ખોરાક લેવો અને ઉત્તમ શાંત સ્વભાવવાળાના સહવાસમાં રહેવું.