________________
પુત્રાદિકને શિખામણ
[ ૧૩૫ ] તેનું સ્વરૂપ છે. ત્રાંબાના વાસણ પર ચઢેલા કાટને જો પ્રયત્નથી દૂર કરી તેનું ખરું સ્વરૂપ પ્રગટ કરી શકાય છે તો પછી આત્મા પર ચઢેલા ઉપાધિરૂપ મળને કેમ પ્રયત્નથી દૂર કરી ન શકાય? ગુણોથી જ મનુષ્યો ઉત્તમતાને પામે છે, શાસ્ત્રમાં અને પ્રત્યક્ષ એવા અનેક દાખલાઓ છે કે નીચ કુળ કે વંશમાં ઉત્પત્તિ થયેલ મનુષ્યને પોતાના ગુણો વડે ઉત્તમતાને અથવા જગતમાં પૂજ્યતાને પ્રાપ્ત થયેલા છે. કમળ કાદવવાળા પાણીમાંથી ઉત્પન્ન થાય છે છતાં તેમાં સુંદરતા અને સુગંધતા અથવા કોમળતા હોવાથી દેવોના પણ મસ્તક પર તે ચઢે છે, ત્યારે તેજ કમળને ઉત્પન્ન કરનાર કાદવ પગથી કચરાય છે. લોકો પણ મહાવીર, રામ, કૃષ્ણ આદિના પ્રાતઃકાળમાં નામોનું સ્મરણ કરે છે, પણ સિદ્ધાર્થ, દશરથ કે વાસુદેવ ઈત્યાદિને કોઈ સંભારતું નથી, આનું કારણ દુનિયામાં સદ્ગણીઓની જ કિંમત છે. આવા ઉત્તમ પુરુષોને ઉત્પન્ન થવાની કોઈ ખાણ નથી અથવા એવું કોઈ કુળ નથી કે તેમાં જ સર્વ ઉત્તમ પુરુષો પાકે છે કે ઉત્પન્ન થાય છે. પણ સ્વાભાવિક રીતે પોતાના સગુણો વડે મનુષ્યો જગતને નમન કરવા કે માન્ય કરવા યોગ્ય થાય છે.
મહાત્મા હરિકેશી નામના એક પવિત્ર સાધુ પુરુષ પહેલાં થઈ ગયા હતા. આ મહાત્મા ચંડાળના કુળમાં ઉત્પન્ન થયેલા હતા. તેઓ પોતાની બાલ્યાવસ્થામાં ઘણા જ તોફાની હતા. એક દિવસ ચંડાળોની ઉજાણી હતી, તેમાં વિશેષ તોફાન કરનાર હરિકેશીને તે સમુદાયમાંથી બાતલ કરવામાં આવ્યો એ પ્રસંગે એક સર્પ ત્યાંથી નીકળ્યો, આ ઝેરી જાનવર બીજાના પ્રાણ લેનાર છે એમ કહી ચંડાળોએ તે સાપને મારી નાંખ્યો. થોડીવાર પછી એક મોટું અળસીયું નીકળ્યું તેને દેખી તે લોકોએ કહ્યું કે આ ઝેરી જાનવર નથી, માટે તેને જવા દો, તેને જીવતું મૂકી દીધું. આ બને પ્રસંગો ભોજનના વાડાની બહાર ઊભેલા