________________
[ ૧૨૦ ]
ગૃહસ્થ ધર્મ જે વખતે પોતાને ક્રોધ ઉત્પન્ન થયો હોય, ક્રોધથી હૃદય ધમધમ થતું હોય, લોહી તપી ગયું હોય કે પૂરજોશમાં ઉછળતું હોય તે વખતે ભોજન કરવાથી લોહી તથા સ્નાયુની ગતિ અવ્યવસ્થિત હોવાથી શરીરમાં એક પ્રકારનું વિષમ ઝેર ઉત્પન્ન થાય છે. તેથી ખાધેલો ખોરાક વિષરૂપે પરિણમે છે. લોહીની ગતિ સ્વાભાવિક થયાં સિવાય ખોરાક પાચન થતો નથી. આવા વખતે ભોજન કરવાથી વિવિધ પ્રકારના રોગો થવાનો ચોક્કસ સંભવ છે. આ ઉપરથી એમ સમજવાનું કે જ્યારે પોતાનો ક્રોધ શાંત થઈ જાય, લોહી સ્વાભાવિક ગતિમાં ચાલતું હોય, મન પ્રફુલ્લિત હોય ત્યારે જ ભોજન કરવા બેસવું.
તેમજ ભોજન કરતાં કરતાં પણ કોઈ જાતનાં કોઈને દુર્વચનો કહેવા નહિ. એકબીજાના મનને ખેદ કે કલેશ થાય, ક્રોધ થઈ આવે, લોહી તપી આવે, તેવાં વચનો કે તેવી વાતો ભોજન કરતી વખતે બિલકુલ કાઢવી નહિ, પણ આનંદની વાતો કરવી.
ઘણી વખતે કેટલીક અજ્ઞાન બાઇઓ કે કેટલાક અજ્ઞાન ભાઇઓ જમતી વખતે અનેક પ્રકારના વ્યવહારના કલેશ કંકાસ કે કુથલીની વાતો કરી શાંત પ્રકૃતિવાળાના મનને પણ ઉશ્કેરી મૂકે છે. આમ કરવાથી તેમની તંદુરસ્તી ઉપર ઘણી માઠી અસર થાય છે. ગુપ્ત રીતે તેના ભોજનમાં જ વિષ રેડાય છે. પાચનશક્તિ મંદ થાય છે. શરીર અવ્યવસ્થિત થાય છે, આ પ્રયોગ વધારે દિવસ ચાલુ રહે છે તો છેવટે તે મનુષ્ય રોગનો ભોગ થઈ પડે છે.
જ
ઘણા મોટા લોકોમાં આવા ભોજનના પ્રસંગે આનંદની કે હસાહસવાળી રમૂજી વાતો કરવામાં આવે છે. એકબીજાના મનો પ્રફુલ્લિત રહે તેવો પ્રસંગ જાણીજોઈને લાવવામાં આવે છે. મતલબ કે ભોજન કરતી વખતે ખેદ કે કલેશ થાય તેવા કોઈ પણ પ્રસંગો જાણીજોઇને લાવવા દેવામાં આવતા નથી.