________________
સાસરીમાં રહેલો વીરસેન મુંઝાય છે. પત્ની સાજી થતી નથી. વળી એક તરફ રાજાની આણાઆજ્ઞા પાળવાની છે. કારણ કે મંત્રીમુદ્રા આંગળી પર ધારણ કરેલી છે. તેથી પોતાના રાજાને વફાદાર રહેવાનું છે. બિચારો વીરસેન શું કરે ? પત્ની ઉપરના મોહે, વીરસેનને જગતમાં હાંસીને પાત્ર બનાવ્યો. સાસરે કયાં સુધી રહે ?
શાસ્ત્રકારો કહે છે - વહુ પિયર, પુરુષ સાસરે, વધારે રહે. વળી સંન્યાસી-ત્યાગી મહાત્માઓ ગૃહસ્થીના સમાગમમાં વધારે રહે. જો આ ત્રણે આ રીતે સ્થિરવાસ રહે તો અળખામણા થાય છે.
વીરસેન વિચારે છે કે હવે શું કરવું ? મહાસતી સરખી આ મારી પત્નીને શી રીતે છોડીને જવું ? મારી પત્ની ઉપર આ મહાકષ્ટ આવી પડ્યું છે કે જે મારાથી જોઈ શકાતું નથી.
હવે તો મારે મારા ઘરે જવું જ પડશે. પત્ની વિનાનો જઈશ તો લોકોને મારું મોં શી રીતે બતાવીશ ? મારો મિત્રવર્ગ પણ મારી હાંસી જ કરશે. કહેશે પણ ખરો કે પત્ની વિનાનો કેમ આવ્યો ? ત્યારે હું જવાબ શું આપીશ ?
સ્ત્રીના મોહ થકી વીરસેન મંત્રીશ્વર હોવા છતાં પણ તેની મિત મુંઝાઈ ગઈ છે. શું કરવું ? કોઈ દિશા મને સૂઝતી નથી. છતાં ધીરજ ધરતા વીરસેને જવા માટે પાકો નિર્ણય કર્યો.
રે વિધાતા ! તું જે રીતે નચાવે તે રીતે મારે નાચવાનું છે. આનું નામ સંસાર. વિચારતાં વીરસેન સસરાને કહે છે કે અમે તો હવે પાછા જઈશું. પણ હવે તમારી દીકરી ડાહી અને સાજી થશે ત્યારે લેવા આવીશું. આ પ્રમાણે કહી વીરસેન આવ્યો હતો તે રીતે વીલે મોઢે પોતાના નગર તરફ પ્રયાણ કરી ગયો.
કેટલા દિવસ બાદ પોતાના રાજપુર નગરે આવ્યો. અહીં આવ્યા પછી રૂપમાં મોહાંધ બનેલો પ્રધાન પોતાના ઘરે આવી દેવદેવી અને કુળદેવીની માનતા કરવા લાગ્યો. પૂજાપાઠ પણ કરવા લાગ્યો. જાપ પણ કરાવે છે.
દ્રષ્ટિરાગે મોહેલો વીરસેન શાકુનિક જ્યોતિષને પૂછી, દ્રવ્ય આપી જાપ કરાવવા લાગ્યો. મોં માગ્યું દાન આપે છે. કામગ્રહથી પીડાએલો જ્યાં ત્યાં, જેને તેને પોતાની પત્ની વિષે પૂછવા લાગ્યો. પત્નીની વાત પૂછવામાં હવે વીરસેનને શરમ આવતી નથી. ગાંડો માણસ કુકરવેલ એટલે હલકી જાતની વેલ હાથમાં પકડી હોય તો પણ તે તેને મોહનવેલ - આકર્ષણ કરનારી વેલ માનતો હોય છે.
પોતાના મિત્ર રવિદત્તને હવે વીરસેન પોતાની પત્ની સંબંધી વાત કરે છે. વાણિયો રવિદત્ત. વાણિયાની જાત-વાણિયાનો દીકરો હતો. બુધ્ધિશાળી હતો. વીરસેનની વાત સાંભળી, પછી કહેવા લાગ્યો. હે મિત્ર ! તારી સ્ત્રીની શી વાત કરવી ? જે વાત સાંભળતાં તને દુઃખ થાય.
વીરસેન - મિત્ર ! જે હોય તે કહો. મને દુઃખ નહિ લાગે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૪૧૦