________________
હવે તે સ્વચ્છંદ અને નિરંકુશ બન્યો. તે બધાજ વ્યસનોથી વીંટળાઇ ગયો. રાજગૃહીથી થોડે દૂર સિંહગુફા નામની ચોર પલ્લી હતી. ત્યાં ૫૦૦ ચોર સાથે વિજય નામનો ચોરોનો સરદાર રહેતો હતો. ચિલાત ત્યાં પહોચ્યો. વિજયે તેને ચૌર્યકળા, ચૌર્યમંત્ર શીખવાડી ચૌર્યકળામાં નિષ્ણાત બનાવ્યો. વિજયના મૃત્યુ બાદ ચિલાત ચોરોનો સરદાર બન્યો.
ધાન્ય સાર્થવાહે તેનો તિરસ્કાર કર્યો હતો. તેથી તેનો બદલો લેવાની ભાવના થઇ. ધન્ય સાર્થવાહનું ઘર લૂંટી સુષુમાને પોતાની બનાવવાનો વિચાર ઉદ્ભવ્યો.
નિર્ધારિત સમયે ધન્ય સાર્થવાહની સંપત્તિ લૂંટી તથા સુષુમાને લઇ તે ભાગ્યો. ધન્ય શેઠ જીવ બચાવવા છૂપાઇ ગયા હતા. તે નગર રક્ષક પાસે ગયા. નગર રક્ષકોએ ચોરનો પીછો પકડ્યો. ધન્ય અને પાંચ દીકરા પણ સાથે જ ગયા. તેઓ સતત પીછો કરતા જ રહ્યા. બચવાનો ઉપાય ન મળતાં ચિલાતે સુષુમાનું ગળુ કાપી નાખ્યું. ધડને છોડી મસ્તક લઇ ચિલાત ભાગી છૂટ્યો. ભૂખ્યો-તરસ્યો પીડા પામતો અટવીમાં જ મૃત્યુ પામ્યો.
આ તરફ ધન્ય સાર્થવાહે પોતાની પુત્રીનું મસ્તક રહિત નિર્જીવ શરીર જોયું તો તેમના સંતાપનો પાર ન રહ્યો. નગરીથી તેઓ ખૂબ આગળ નીકળી ગયા હતા. ભૂખ-તરસ લાગેલી. ધન્ય સાર્થવાહે કહ્યું-ભોજન વિના રાજગૃહી નહિ પહોંચાય, તેથી મને હણી મારું માંસ તથા રુધિર દ્વારા ભૂખ-તરસ મીટાવો. જ્યેષ્ઠ પુત્રે આ વાત માન્ય કરી. બધાએ મળી નિર્ણય કર્યો કે સુષુમાના શરીરનો આહાર કરી સકુશલ રાજગૃહી પહોંચવું અને એમ જ થયું.
યથા સમયે સાર્થવાહે પ્રવજ્યા ગ્રહણ કરી. સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયાં. મહાવિદેહમાં જઇ મોક્ષે પધારશે.
ઉપદેશ:- સાર્થવાહ તથા તેના પુત્રોએ આહાર રસે ઇન્દ્રિયની લોલુપતા માટે નહિ પરંતુ રાજગૃહી સુધી પહોંચવાના ઉદ્દેશથી જ કર્યો હતો. સાધકે આહાર અશુચિમય શરીરના પોષણ માટે નહિ, પરંતુ મુક્તિએ પહોંચવાના લક્ષ્યથી કરવો.
અધ્યયન-૧૯માં પુંડરીક અને કંડરીકની કથા છે.
મહાવિદેહમાં પુષ્પ કલાવતી વિજયમાં પુંડરિકણી નગરી સાક્ષાત દેવલોક સમાન સુંદર હતી. ત્યાં મહાપદ્મ રાજાને બે દીકરા હતા. પુંડરીક અને કંડરીક. એકવાર ધર્મઘોષ આચાર્યની દેશના સાંભળી મહાપદ્મ રાજા દીક્ષિત થયા. પુંડરીક રાજા બન્યા. મહાપદ્મ રાજર્ષિ વિશુધ્ધ સંયમ પાળી મોક્ષે પધાર્યા. કંડરીકને વૈરાગ્ય ઉત્પન્ન થયો. દીક્ષા લીધી.
74