________________
૧૭મું અધ્યયન આકીર્ણજ્ઞાત અશ્વથા
હસ્તિશીર્ષ નગરના કેટલાક વ્યાપારીઓ જળ માર્ગે વ્યાપાર કરવા નીકળ્યા. તેઓ લવણસમુદ્રમાં જતા હતા ત્યાં અચાનક તોફાન આવ્યું. દિશાનું ભાન ન રહ્યું. વણિકોના હોશકોશ ઉડી ગયા. બધા દેવ દેવીઓની માનતા કરવા લાગ્યા.
થોડીવારે તોફાન શાંત થયું. ચાલકને દિશાનુ ભાન થયું. નૌકા કાલિક દ્વીપના કિનારે જવા લાગી. કાલિક દ્વીપમાં પહોંચતા જ વણિકોએ જોયું કે અહીં ચાંદી, સોનું, હીરાની ખાણો છે. તેમજ તેઓએ ઉત્તમ જાતિના અશ્વો જોયા. વણિકોને અશ્વનું કોઇ પ્રયોજન નહોતું તેથી ચાંદી, સોનું, રત્નાદિથી વહાણ ભરી પુનઃપોતાની નગરીમાં પાછા વળ્યા.
આ ઉપહાર લઇ વિણિકો રાજા સમક્ષ આવ્યા. રાજાએ તેઓને પૂછ્યું કે, તમે કોઇ આશ્ચર્યકારી અદ્ભુત વસ્તુ જોઇ છે? વણિકોએ કાલિકદ્વીપના અશ્વોનો ઉલ્લેખ કર્યો. રાજાએ વણિકોને અશ્વો લઇ આવવાનો આદેશ કર્યો.
વણિકો અશ્વોને પકડવા પાંચે ઇન્દ્રિયોને લલચાવતી લોભામણી વસ્તુઓ લઇને ગયા. જુદી જુદી જગ્યાએ તે વસ્તુઓ વિખેરી નાખી. જે અશ્વો ઇન્દ્રિયોને વશમાં ન રાખી શકયા તેઓ સામગ્રીમાં ફસાઇ બંધનમાં પડ્યા. પકડાયેલા અશ્વને હસ્તિશીર્ષ નગરમાં લઇ જવામાં આવ્યા. તેઓને પ્રશિક્ષિત થવામાં ચાબૂકનો માર ખાવો પડ્યો.
કેટલાક અશ્વો એવા હતા કે જેઓ સામગ્રીમાં ન ફસાયા અને દૂર ચાલ્યા ગયા. તેઓની સ્વતંત્રતા કાયમ રહી. વધ, બંધન આદિ કષ્ટોથી બચી ગયા.
ઉપદેશ:- જે સાધક અશ્વોની જેમ અનુકૂળ વિષયમાં ફસાય છે તે ભવ સાગરમાં ભટકે છે. જે સાધક અશ્વોની જેમ અનુકૂળ વિષયોમાં ન ફસાય તે પરમાનંદને પ્રાપ્ત કરે છે.
અધ્યયન-૧૮માં સુષુમાદારિકાનું ધ્રુષ્ટાંત છે.
રાજગૃહીના ધન્ય સાર્થવાહની લાડલી, સુષુમા સોનાના પારણામાં પોઢી, સુખમાં ઉછરી, તેનો કેવો કરૂણ અંત આવ્યો, તે આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું
છે.
ધન્ય સાર્થવાહના પાંચ પુત્રો પછી સુષુમાનો જન્મ થયો. જ્યારે તે નાની હતી ત્યારે ચિલાત નામનો દાસ તેને આડોશી-પાડોશીના બાળકો સાથે રમવા લઇ જતો. તે બહુ જ નટખટ હતો. રમતા બાળકોને ત્રાસ આપતો. આખરે વાંરવાર ફરિયાદ આવતા ચિલાતને ઘરમાંથી કાઢી મૂક્યો.
73