________________
વરમાળા નાખી. પણ ભવિતવ્યતાના યોગે તે વરમાળા પાંચે પાંડવોના કંઠમાં દેખાણી.
આ વિચિત્ર બનાવ બનતાં આખાય સ્વયંવર મંડપમાં હાહાકાર મચી ગયો. એક સ્ત્રીને પાંચ પતિ કેમ હોઈ શકે? સઘળુંય રાજમંડળ વિચારમાં પડ્યું, તેટલામાં એક વિદ્યા ચારણ મુનિ ત્યાં પધાર્યા. એ જ્ઞાની મહામુનિએ સૌનો ભ્રમ ભાંગ્યો. દ્રૌપદીના જીવે પૂર્વભવે બાંધેલ નિયાણાની વાત જણાવી અને તે કર્મના ઉદયથી આ ભવમાં પાંચ પતિ થયા છે તેવો ખુલાસો કર્યો. કર્મસ્થિતિને કોણ ટાળી શકે? એમાં કશો જ ફેરફાર થવાનો નથી. ઉત્સાહથી લગ્ન મહોત્સવ ઉજવાયો, પાંચેય પાંડવો દ્વૌપદીને લઇને હસ્તિનાપુરમાં પધાર્યા.
જુગાર વ્યસનમાં પાંડવો રાજપાટ તો હારી ગયા, સાથે સાથે દ્રૌપદીને પણ હારી ગયા. ભીમે કૌરવોને ભારે ધમકી આપી, ત્યારે દ્રૌપદીને પાછી સોંપી અને પાંચેય પાંડવોએ દ્રૌપદીની સાથે વનવાસ સ્વીકાર્યો.
વનવાસમાં ખાડા ટેકરા અને પહાડો ઓળંગવા પડ્યા. ટાઢ-તડકો સહન કરવો પડ્યો અને બીજી પણ અનેક મુશીબતો ઉઠાવવી પડી. છેલ્લે મહાભારતનું યુધ્ધ ખેલાયું અને તેમાં યુધિષ્ઠિરનો વિજય થયો.
ત્યારબાદ કેટલાક સમય પછી દ્રોપદી ગર્ભવતી બની અને ગર્ભકાળ પૂર્ણ થતાં બાળકનો જન્મ થયો. તે બાળકનું નામ પાંડુસેન રાખ્યું. તે મોટો થતાં કલાચાર્ય પાસે ભણવા મૂક્યો. બહોંતેર કળા શીખી અને યુવાન બન્યો ત્યારે તેને યુવરાજ પદે સ્થાપ્યો. કાળક્રમે હસ્તિનાપુરમાં એક મહામુનિ પધાર્યા, તેમની સુધાસમી વૈરાગ્ય નીતરતી વાણી શ્રવણ કરી પાંડવો અને દ્રોપદીને વૈરાગ્ય થયો અને તેઓએ ચારિત્ર્ય અંગીકાર કર્યું. ચારિત્ર અંગીકાર કર્યા બાદ આકરી તપશ્ચર્યા આદરી, સ્વાધ્યાય ધ્યાનમાં તન્મય બની, ત્યાગ અને તપ દ્વારા જીવનને ઉજમાળ બનાવ્યું. અંતે એક માસનું અણસણ કરી ત્યાંથી મૃત્યુ પામી પાંચમા બ્રહ્મલોકમાં દ્રોપદી પેદા થઈ. સુર સુખોને અનુભવી ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને તે જ ભવે ત્યાંથી તે મોક્ષમાં જશે. અને યુધિષ્ઠિર આદિ પાંચ અણગાર બે માસની સંલેખના વડે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી સિદ્ધ થયા અને સર્વ દુઃખોથી મુક્ત બન્યા. ઉપદેશ:- કર્મના વિપાક ભયંકર છે. તેમજ પાપ છિપાયા ના છિપે, પાપ છાપરે ચડીને પોકારે આ ઉક્તિ સદાય યાદ રાખવી. પાપ અનેકગણું વધીને પ્રગટ થયા વિના રહેતું નથી.