________________
પંડિતાને આ વાતની ખબર પડી ગઈ. અભયા રાણીની પાસે આવીને તેણીએ કહ્યું કે-આજે તમે પણ વનમાં જશો નહિ. આજે ઘણી સારી તક છે અને આવી તક ફરીથી મળશે નહિ.” આથી અભયા રાણીએ પણ પોતાની તબિયત નાદુરસ્ત હોવાનું બહાનું કાઢીને રાજાની સંમતિ મેળવી લીધી અને મહેલમાં રહી ગઇ.
પંડિતાએ હવે એક યુક્તિ રચી, કારણકે-અન્તપુરના પહેરેગીરોને છેતરીને શ્રી સુદર્શનને મહેલમાં લઈ જવા હતા. યક્ષની પ્રતિમાને મહેલમાં લાવવાનો તેણે દેખાવ કર્યો. પહેલાં તો પહેરેગીરોએ તપાસ કરી, પણ પછી વિશ્વાસ બેસી ગયો એટલે ઉપેક્ષા સેવવા માંડી. પહેરેગીરોની ઉપેક્ષાનો લાભ લઇને, શ્રી સુદર્શનને શિબિકામાં નાખીને, તે પંડિતા તે શિબિકાને રાણી અભયાની પાસે લઇ આવી. શ્રી સુદર્શનને કાયોત્સર્ગ સ્વીકાર્યો હતો, એટલે એ ગમે તેવો ઉપદ્રવ આવે તો પણ નિશ્ચલ રહેવાના જ લક્ષ્યવાળા હતા અને એથી જ પંડિતાને આમ કરવામાં ફાવટ આવી ગઈ હતી.
શ્રી સુદર્શનને અભયા રાણીની પાસે મૂકીને, પોતે કબૂલેલું કાર્ય પૂરૂ થઈ ગયેલું હોવાના કારણે, પંડિતા ત્યાંથી રવાના થઈ ગઈ. પછી અભયાએ કામકળા અજમાવવા માંડી. જેનું વર્ણન શિષ્ટજનોથી થઈ શકે નહિ, એવી અનેક યુક્તિપ્રયુક્તિઓ અભયા રાણીએ અજમાવી; પણ શ્રી સુદર્શન તો કાર્યોત્સર્ગમાં હતા. એટલે એક મુડદાની જેમ નિશ્ચષ્ટ જ રહ્યા.
અહીં પણ વિચાર કરવા જેવો છે. શ્રી સુદર્શનની પાસે ભોગ ભીખ માંગી રહ્યા છે. તમારી પાસે ભોગ ભીખ માગે છે કે ભોગની પાસે તમે ભીખ માગો છો? સારા ય જગતને પાગલ બનાવી મૂકનાર કામ, અભયા રાણીના રૂપમાં, શ્રી સુદર્શનની પાસે પ્રાર્થના કરી રહ્યો છે. શમ્ભ, સ્વયમ્ભ અને હરિને દાસ બનાવી દેવાના સામર્થ્યવાળો કામદેવ, શ્રી સુદર્શનની પાસે દીનદાસ બની ગયો છે. ભગવાને કહેલા માર્ગના લક્ષ્યવાળા ભોગી ગૃહસ્થોની પાસે પણ કામ જો આટલો કમતાકાત હોય છે, તો ખુદ ભગવાન અમ્મર હોય એમાં નવાઈ શી છે? જેના ભક્તો પણ આવા કામવિજેતા હોય, તે ભગવાન પોતે કામરહિત હોય, એ તો આપોઆપ સિદ્ધ થઈ જાય છે. શ્રી સુદર્શનનું લક્ષ્ય જો એક માત્ર ભગવાને કહેલા ધર્મ તરફ ન હોય, તો આ સંયોગો કાંઈ જેવા-તેવા નથી. ભોગની પ્રાર્થના કરનાર, યુક્તિ-પ્રયુક્તિથી મનાવવા મથનાર, દીનતા દાખવનાર, કામની અનિચ્છા છતાં આપમેળે અંગ સમર્પણ કરનાર કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ રાણી પોતે જ છે! એકાન્ત છે અને રાત્રિનો સમય છે. રાણી રીઝે તો ઘણો ફાયદો થવાનો સંભવ છે અને ખીજે તો ખૂન થવાનો સંભવ પણ છે. આટલું છતાં ય, શ્રી સુદર્શન તો પોતાના કાયોત્સર્ગમાં જ સુસ્થિર રહે છે.
346