________________
જ્યારે અભયા રાણીનું પોતે, પ્રીતિ બતાવવાથી કાંઈ સર્યું નહિ, એટલે તેણીએ ભીતિ બતાવવા માંડી; પણ પ્રીતિની જેમ ભીતિ પણ નિષ્ફલ જ નિવડી.
હવે રાણીને ભય લાગ્યો. સાપે છછુંદર ગળ્યા જેવી રાણીની હાલત થઈ હતી. શ્રી સુદર્શનને ત્યાં પણ રાખી શકાય નહિ અને પાછા મોકલી દે તો આબરૂ જવાની બીક. શ્રી સુદર્શન પ્રત્યે રાણીને ખૂબ ખૂબ ગુસ્સો આવી ગયો. રાણી વિકરાળ બની ગઈ. પોતાનું પાપ શ્રી સુદર્શનને શિરે નાખી દેવાનો નિર્ણય રાણીએ કરી લીધો, પોતાના હાથે જ પોતાનાં વસ્ત્રોને રાણીએ ફાડી નાખ્યાં. પોતાના શરીરે તેણીએ પોતાના નખોથી જ વલુરા ભર્યા. આવેશમાં ને આવેશમાં શ્રી સુદર્શનને રાણીએ કહ્યું કે હવે તું જો, કે મને તરછોડવાનું ફળ તને કેવું મળે છે!” અને એમ કહીને રાણીએ રાડો પાડવા માંડી; દોડો, દોડો બચાવો; આ દુષ્ટ પાપી મારી લાજ લૂંટી રહ્યો છે.'
રાણીની આવા પ્રકારની રાડોને શ્રી સુદર્શને સાંભળી, તે છતાં પણ એ ચલચિત્ત બન્યા નહિ. કામ તો એમને કાયોત્સર્ગમાંથી ચલિત કરી શક્યો નહિ, પરન્તુ ભય પણ એમને મુંઝવી શક્યો નહિ. નહિતર આ કેવો વિષય પ્રસંગ છે? કારમું કલંક લાગે અને અંતે જીવથી પણ જાય.
રાણીની રાડોને સાંભળીને, મહેલના પહેરેગીરો દોડી આવ્યા. શ્રી સુદર્શનને પકડીને એ પહેરેગીરો રાજાને બોલાવી લાવ્યા. રાજા આવીને રાણીને પૂછવાને બદલે શ્રી સુદર્શનને પૂછે છે કે-“શું બન્યું છે. તે કહે!”
રાજાને, રાણી કરતાં પણ શ્રી સુદર્શન ઉપર વધારે વિશ્ર્વાસ છે, એમ આથી જણાઈ આવે છે; પણ શ્રી સુદર્શન કાંઈ જ બોલતા નથી. કેમ? એક તો કાયોત્સર્ગમાં છે અને બીજી વાત એ પણ છે કે- સાચી હકીકત કહેવાથી રાણીનું આવી બને તેમ છે. એક જીવના નાશના ભોગે જ પોતે બચી શકે તેમ છે. પોતે નિર્દોષ છે. સર્વ દોષ માત્ર રાણીનો જ છે, છતાં પણ પોતાના નિમિત્તે રાણીની હિંસા થાય તેમ હોવાથી, તેવું નહિ થવા દેવાને માટે, પોતે મૌન રહીને, પોતાના યશનો અને પોતાના જીવિતનો ભોગ આપવાનું શ્રી સુદર્શન પસંદ કરે છે. અહિંસક મનોવૃત્તિનો આ કેવો સુન્દર નમુનો છે?
શ્રી સુદર્શન કાંઈ બોલતા નથી. એટલે રાજા પણ શ્રી સુદર્શનને દોષિત માનવાને પ્રેરાય છે. શ્રી સુદર્શનને દોષિત માનવાને પ્રેરાયા પછી તો, રાજાને પણ ઘણો ક્રોધ આવે છે. અત્યાચાર અને તે ય પોતાની રાણી ઉપર એ સામાન્ય ગુન્ડો કેમ લાગે? રાજા પોતાના કર્મચારીઓને હુકમ કરે છે કે-“આને શહેરમાં ફેરવીને, આના પાપની પૂરેપૂરી જાહેરાત કરીને, આને શૂળીએ ચઢાવી દો!”
347