________________
પ્રાયઃએવી કુશળ હોય છે કે-પતિને કદાચ પોતાની પત્ની મહાપતિવ્રતા છે એવું લાગ્યા કરે, એ તો કોઇ અવસરે એના પાપનો ઘડો ફુટે, ત્યારે, એનો અંધાપો ટળે તો
ટળે !
એક વાર કપિલને કોઇ ખાસ કામસર અચાનક બહારગામ જવાનું થયું. શ્રી સુદર્શનને મળીને પોતાના બહારગામ જવા વિષેની ખબર પણ આપી શક્યો નહિ.
કપિલ બહારગામ ગયો, એટલે કપિલાને થયું કે-ઘણા દિવસોથી હૈયામાં સમાવી રાખેલી અભિલાષાને પૂર્ણ કરવાનો આજે ઠીક જ અવસર આવી લાગ્યો છે. આજે સુદર્શનને અહીં લાવીને, એના સંગના રંગનો ઉમંગ માણું !’
આવો નિર્ણય કરીને, કપિલા તરત જ શ્રી સુદર્શનના ઘરે ગઇ અને શ્રી સુદર્શનને કહ્યું કે-‘આપના મિત્રને તાવ આવ્યો છે, તેથી આપને તે બોલાવે છે. આપને તેડવાને માટે જ હું આવી છું. આપ જરા પણ મોડું કરો નહિ, કારણકે- આપના વિના એમને એક ક્ષણ ચેન પડતું નથી.’
પોતાની પાપવાસનાને સફલ બનાવવાના હેતુથી કપિલા કેવું અસત્ય બોલે છે? એક પાપની વૃતિ અનેક પાપોની સર્જક બની જાય છે. પાપ કેવું ભૂંડું છે? એને સેવવાને માટે પણ અનેક પાપોનો આશ્રય લેવો પડે અને એમ અનેક પાપોનો આશ્રય લેવા છતાં પણ, જો પુણ્યનો યોગ ન હોય, તો ધાર્યું ધૂળમાં મળે; માટે પુણ્યનો યોગ હોય તો ધાર્યું થઇ જાય, પણ એ શું કહેવાય? જેની ખરી સહાય તેનો દ્રોહ અને તેના દુશ્મનનું પોષણ! પુણ્યની સહાયે પાપ આચરવું, એ શું છે? પુણ્યનો દોષ જ છે ને? અને પાપ એ પુણ્યનું દુશ્મન ગણાય. એટલે પાપરૂપ દુશ્મનનું પોષણ જ કર્યું ગણાય ને? પણ વિષયસુખોના ભોગવટામાં જ સુખની કલ્પના કરી બેઠેલાઓને તો, ગમે તેનો દ્રોહ કરવાનું પણ મન થાય, એમાં નવાઇ નથી.
શ્રી સુદર્શન તો, કપિલાએ કહેલી વાતને સાચી જ માની લે છે. તે કહે છે કે-‘મને આવી ખબર નહોતી' આમ કહીને શ્રી સુદર્શન તરત જ પોતાના સઘળા ય કાર્યને પડતું મૂકી દે છે અને પોતાના મિત્રને ઘરે આવે છે.
મિત્રની પાસે જવાને માટે શ્રી સુદર્શન કપિલના ઘરમાં પેસે છે. જ્યાં એ અંદરના ઓરડામાં આવે છે, કે તરત જ કપિલા ઘરનાં બારણાંને બંધ કરી દઇને, એ ઓરડામાં આવે છે. શ્રી સુદર્શન પોતાના મિત્ર વિષે પૂછે છે. ત્યારે કપિલા કહે છે કે-‘સ્વામિન્! ઘણાં કાળથી હું તમારા સંગને ઇચ્છી રહી હતી. આ શય્યા અને આ મારૂં શરીર આપને સ્વાધીન છે. મારી ઇચ્છાને પૂર્ણ કરો!’
શ્રી સુદર્શન કાંઇ બોલતા નથી. હાલતા નથી કે ચાલતા નથી. કેવા કપરા
341