________________
પોતાના પતિના મુખે શ્રી સુદર્શનની આવા પ્રકારની ખૂબ ખૂબ પ્રશંસાને સાંભળવાના પરિણામે, કપિલા શ્રી સુદર્શન પ્રત્યે અનુરાગવતી બની. કપિલાનો એ અનુરાગ ગુણાનુરાગ ન હતો, પરંતુ કામાનુરાગ હતો.
ખરેખર, સારી પણ વાણી પાત્રાનુસાર પરિણમે છે, એનું આ પણ એક જવલન્ત ઉદાહરણ છે. કપિલ જ્યારે શ્રી સુદર્શન પ્રત્યે ગુણાનુરાગથી આકર્ષાઇને ભક્તિમય પ્રીતિવાળો બન્યો હતો, ત્યારે કપિલા કામરાગથી શ્રી સુદર્શન પ્રત્યે પ્રીતિવાળી બની. શ્રી સુદર્શનના ગુણોની પ્રશંસાએ કપિલામાં કામરાગનું આકર્ષણ પેદા કર્યું, એમાં દોષ કોનો? જેનામાં ગુણાનુરાગ હોય, તેને ગુણસમ્પનની પ્રશંસા કરવાનું મન તો થાય જ. એ પ્રશંસાને સાંભળીને કોઈ અવળચંડી વૃત્તિવાળું બને, તો તેમાં પ્રશંસા કરનારો કરે શું?
આવો એક પ્રસંગ આર્ય વજસ્વામીજીના સંબંધમાં પણ બન્યો હતો. આર્ય વજસ્વામીજી જેમ અનેકાનેક ગુણોના ધામ હતા, તેમ રૂપ પણ તેમનું અદ્ભુત હતું. સાધ્વીઓ એ મહાપુરૂષના ગુણોની જેમ પ્રશંસા કરતી હતી, તેમ તેમના રૂપની પણ પ્રશંસા કરતી હતી, કેમ કે-એ મહાપુરૂષનું રૂપ પણ અનેક આત્માઓને ધર્મશાસન તરફ આકર્ષનારું નિવડતું હતું. અથવા તો કહો કે-સંયમી મહાપુરૂષોને સઘળું ય પ્રશંસનીય બની જાય છે. સાધ્વીઓ એ મહાપુરૂષના રૂપ અને ગુણ આદિની પ્રશંસા કરતી હતી, એટલે એ સાંભળીને એક શેઠની પુત્રીને, આર્ય વજસ્વામીજીને જ પરણવાનું મન થઈ ગયું. સાધ્વીઓ એ કન્યાને ઘણી સમજાવી, પણ એ કન્યા એકની બે થઈ નહિ. એણે તો હઠ જ લાધી કે-“પરણું તો શ્રી વજસ્વામીજીને જ પરણું.’ હવે આમાં સાધ્વીઓનો દોષ કઢાય?’ એવી પ્રશંસા કેમ કરી, કે જેથી શેઠની પુત્રીને આર્ય વજસ્વામી સાથે પરણવાનું મન થઈ ગયું?' એમ કહેવાય? ત્યારે “સાધ્વીઓએ મહાપુરૂષોના રૂપની પ્રશંસા નહિ જ કરવી જોઈએ”-એમ પણ કહેવાય? નહિ જ. સાધ્વીઓનો આશય શો હતો ? એ મહાપુરૂષ પોતાના રૂપથી પણ ઉપકાર કરી રહ્યા છે, એની અનુમોદના કરીને, સાંભળનારને એ મહાપુરૂષ પ્રત્યે ભક્તિવાળાં બનાવવાં, એ જ એ સાધ્વીઓનો આશય હતો. જો કે- પછી તો એ શેઠપુત્રી પણ આર્ય વજસ્વામીજીના સદુપદેશથી સદ્ધર્મને જ પામી છે; પણ એ પહેલાં તો એણે એના પિતાને, ઘણું ઘણું ધન લઇને આર્ય વજસ્વામી પાસે જઈ પરણવાની વિનંતિ કરવાની લાચાર હાલતમાં મૂકી દીધા હતા. એટલે, સારી પણ વાણી સારા પાત્ર રૂપ આત્માઓના હૈયામાં જ સારી અસરને નિપજાવનારી નિવડે છે.
કપિલા તો હવે શ્રી સુદર્શનનો સંગ સાધવાની તક શોધવા લાગી. એના પતિ કપિલને, કપિલાની આ કામવેદનાની ખબર નથી. આવા કુટીલ હૈયાની સ્ત્રીઓ તો
340