________________
માતા તારા કહેવાથી હું લગ્ન કરું પણ લગ્ન કર્યા પછી સ્ત્રીઓ કહશે કે દીક્ષા લેવી હતી, તો લગ્ન શા માટે કર્યા? માટે તેમને સ્પષ્ટ હકીકત જણાવી દો કે અમારો પુત્ર લગ્ન કર્યા પછી બીજે જ દિવસે દીક્ષા લેશે. કોઈને અંધારામાં રાખવાની જરૂર નથી.
આમ આઠે કન્યાના માતાપિતાને એ વાતથી વાકેફ કરવામાં આવ્યા કે અમારો પુત્ર લગ્નના બીજે જ દિવસે દીક્ષા ગ્રહણ કરશે. તમારી ઈચ્છા હોય તો લગ્નનું કહેણ સ્વીકારો. આ સાંભળી આઠે કન્યાનાં મા-બાપ વિચારમાં પડ્યા. ચિંતા સાગરમાં ડૂબી ગયા. જો દીક્ષા જ લેવાના હોય તો પછી વિવાહ કરવાનો કંઈ અર્થ નથી, છતાં પુત્રીઓને પુછી જોઇએ. પુત્રીઓને પુછતાં તેમણે જણાવ્યું કે “પિતાજી! અમારા નાથ જે કરશે તે અમને સંમત છે. પરંતુ અમારાં લગ્ન તો તેમની સાથે જ થશે. ભલે, તેઓ દીક્ષા લે, અમે પણ પતિના માર્ગે સંચરીશું. પતિ અમારા દેવ છે. એમની પાછળ ચાલવું એ જ અમારી ફરજ છે. પુત્રીઓના માબાપે વિચાર્યું કે પુત્રીઓ જ્યારે વિવાહ કરવા તૈયાર છે, તો બીજો વિચાર કરવાની જરૂર નથી. તેમણે આ નિર્ણય ગુણસાગરનાં માતાપિતાને જણાવી દીધો, લગ્ન-મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ. ભેરીભૂંગળ વાગવા લાગ્યા. શરણાઈના સૂર સંભળાવા લાગ્યા, આઠે કન્યાઓ હર્ષના હિલોળે ચઢી,
વરરાજા ગુણસાગર ઘોડે ચઢ્યા છે, વિવિધ વાજીંત્રો વાગી રહ્યા છે. અગણિત માનવમહેરામણ ઉભરાયો છે. શું ઠાઠ, શું ઉત્સાહ! શું વરઘોડો! તરહતરહની લોકવાયકા ચાલે છે.
ગુણસાગરનો વરઘોડો આગળ વધે છે, તેમ તેની ભાવના પણ આગળ વધી રહી છે. તે ધર્મધ્યાનની શુભ શ્રેણીમાં ચઢી રહ્યો છે, લગ્નના વરઘોડે પણ અધ્યાત્મરસથી તરબોળ બની ગયો છે. જોતજોતામાં વરઘોડો માંડવા આગળ આવી પહોંચ્યો. તોરણદ્વારે વરરાજા ઊભા છે. પોંખી લેવાની તૈયારી છે.
આઠે કન્યાઓએ અવનવા શણગાર સજ્યા છે અને ભારે ધામધૂમ મચી છે.
એક બાજુ ધવલમંગળ ગીતોની રમઝટ જામી છે, બીજી બાજુ મધુર અને મંજુલ વાદ્યધ્વનિ થઈ રહ્યો છે. મોટા મોટા ભટજી વરને મંગળ આશીર્વાદ આપી રહ્યા છે અને હર્ષના આવેશમાં જાણે સિંહનાદ થતો હોય તેમ ઊંચેથી મંગળ ધ્વનિ કરે છે. આ અવસરે ગુણસાગર પર તમામ વિવાદસામગ્રીને તત્ત્વવૃત્તિથી વિચારે છેઃ “અહો! આ પરસ્પર વેવાઇઓ-વૈવાહિકા કહેવાય છે, તે બરાબર છે. વૈ એટલે નિશ્ચય કરીને વાહનાત્ એટલે વહન કરાવે છે, મતલબ કે સંસાર સમુદ્રમાં પાડનારા હોવાથી ખરેખર તેઓ વૈવાહિક કહેવાય છે.
205