________________
તેને મૂર્છા આવી. અકસ્માત પુત્રની આ સ્થિતિ નીહાળી માતાપિતા ભારે વિષાદમાં પડ્યા. ચંદનનો લેપ કરવામાં આવ્યો. શીતળ જળનાં છાંટણાં નાખવામાં આવ્યાં અને સેવકો પંખાથી પવન નાંખવા લાગ્યા. થોડીવારમાં ચેતના આવી. પિતાએ પૂછ્યું: ‘કેમ? પુત્ર! શું થયું? તારું ચિત્ત શું કાંઈ બીજે ચોંટ્યું છે? શું થયું, તે તું જલ્દી કહે, અમે તારા સર્વ મનોરથ પૂર્ણ કરવા તૈયાર છીએ. તારી જે ઈચ્છા હોય તે તું સત્વર પ્રકાશ.”
ત્યારે ગુણસાગરે જણાવ્યું: “પિતાજી, મારી કશી જ ઇચ્છા નથી. મને કોઇની સાથે રાગ નથી. મારું દિલ ત્યાગ તરફ આકર્ષાયું છે, ભોગો તો જન્મ જન્મમાં ભોગવ્યા છે, છતાં તૃપ્તિ થઈ નથી, પૂર્વભવે હું દેવ હતો ત્યાં પણ એ બધી સામગ્રી મળી હતી, પણ ત્યાં કામના પૂરી ન થઈ તો આ નાનકડાં જીવનમાં કયાં થવાની છે? મારા ચિત્તને હવે દેવભોગો કે મનુષ્યના ભોગો કોઈ પણ રીતે ડોલાવી શકે તેમ નથી. મારી ઇચ્છા સંસારનાં બંધનોને ફગાવી, ચારિત્ર ગ્રહણ કરવાની છે, માટે આપ મને આજ્ઞા આપો. પૂર્વભવમાં પણ મેં ચારિત્રનું પાલન કર્યું છે. એકવાર જેણે આ અધ્યાત્મરસનું પાન કર્યું છે, તેને જ તે પુનઃ પાન કરવાની અભિલાષા પ્રગટે છે. મારી એકેક ક્ષણ પણ મોંઘેરી વીતી રહી છે, આપ વિલંબ ન કરો.”
પુત્રની આ વાત સાંભળતાં પિતાએ પ્રત્યુત્તર આપ્યો કે “પુત્ર! તરુણવય એ ભોગને યોગ્ય વય છે. એટલે હમણાં લગ્ન કરી લે પછી તું દીક્ષા લઇ શકે છે!”
પિતાની વાત સાંભળી ગુણ સાગરે જવાબ આપ્યો: “પિતાજી ! ધર્મથી જે સુખની પ્રાપ્તિ થાય છે તે કામભોગથી થતી નથી. પરમાનન્દનો આસ્વાદ જેણે ચાખ્યો નથી, તેઓ જ ‘વિષય પર્વ રમીયઃ' વિષયને જ રમણીય, સુંદર અને મનોહર માને છે. જેણે ઘી કદી જોયું જ નથી, તે જ તેલના ગુણ ગાય છે. જેણે ઘેબર ખાધા નથી, તે જ ઘેસને બહુ ઊંચું ભોજન માને છે. પણ મેં તો આનો સ્વાદ ચાખેલો છે, એટલે આ બધી વસ્તુ મને તુચ્છ લાગે છે, નિઃસ્સાર લાગે છે, માટે આપ જલ્દી મને પ્રવ્રજ્યાની અનુમતિ આપો.
પિતા સમજી ગયા કે પુત્ર દેઢ નિશ્ચયી છે, વૈરાગી છે, ગમે તેટલા લોભામણાં સાધનો પણ એને લોભાવી શકવાનાં નથી. ત્યારબાદ ગુણસાગરની માતા આંખમાં આંસુ સારતી ગદ્ ગદ્ ઉચ્ચારે છેઃ “બેટા! “પાકેલાં ફળની જેમ મારું હૃદય તારા વગર ફાટી જશે અને મારા પ્રાણ ચાલ્યા જશે, માટે મારા મનના કોડ તું પૂર્ણ કર.” આમ ઘણો જ આલાપ-સંલાપ થાય છે. પુત્રને પોતાના નિશ્ચયમાં અડગ જાણી છેલ્લે માતાએ પ્રાર્થના કરી કે તારા લગ્ન કરીને તારી નવવધૂઓનાં મુખ મને જોવા દે, પછી ભલે તું દીક્ષા લેજે.' બસ આટલી ઇચ્છા તું પૂર્ણ કર.
204