________________
ઉગ્ર તપ, કઠોર અભિગ્રહ અને અણીશુધ્ધ સંયમની કસોટી પર ચડીને ધન્ય અણગારનું શરીર કૃશ બનતું ગયું, પરંતુ તેનાથી તેનો આત્મા વધારે તેજસ્વી બની ગયો. પ્રતિદિન વધતું જતું મુખનું તેજ ઢાંકેલા અગ્નિની સમાન દેદીપ્યમાન બની ગયું
હતું.
ધન્ય અણગારની શારીરિક સ્થિતિમાં કેટલું પરિવર્તન થયું હતું તેનું વર્ણન પણ આ સૂત્રમાં છે. અવયવોમાં માંસ અને લોહી દેખાતાં ન હતા, ફક્ત હાડકાં, ચામડાં અને નસો જ દેખાતી હતી. અંગ કેવી રીતે સુકાયા તેનું ઉપમા અલંકારથી વર્ણન કરવામાં આવ્યું છે.
ઘોર તપસ્વી ધન્ય અણગારનાં છાતીના હાડકાં ગંગાની લહેરો સમાન અલગઅલગ પ્રતીત થતાં હતાં. કરોડના મણકા રૂદ્રાક્ષની માળાના મણકાની સમાન સ્પષ્ટ ગણી શકાય તેવા હતા. ભૂજાઓ સૂકાઇને સુકાયેલા સર્પની સમાન થઇ ગઇ હતી. હાથ ઘોડાની ઢીલી લગામ સમાન લટકી ગયા હતા. તેમનું શારીરિક બળ બિલકુલ ક્ષીણ થઇ ગયું હતું. ફક્ત આત્માની શક્તિથી ચાલતા હતા. સર્વથા દુર્બળ હોવાને કારણે બોલવામાં પણ અત્યંત શ્રમ પડતો હતો. શરીર એટલું ખખડી ગયું હતું જ્યારે તેઓ ચાલતા ત્યારે હાડકાંઓ પરસ્પર અથડાવવાને કારણે કોલસાની ભરેલી ગાડીની જેમ અવાજ આવતો હતો. શરીરધારી હોવા છતાં પણ એ અશરીરી જેવા બની ગયા હતા. તેમ છતાં તેમનો આત્મા તપના પ્રખર તેજથી અત્યંત સુશોભિત થઇ ગયો હતો.
આવા તપોધની ધન્ય અણગારની ખુદ ભગવાન મહાવીર પ્રશંસા કરતા કહે છે કે તેમના ઇન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણોમાં ધન્ય અણગાર મહાદુષ્કરકારક અને મહાનિર્જરાકારક છે. ધન્યમુનિ યથાર્થનામા તથા ગુણા સિધ્ધ થયા. આઠ મહિનાની અજોડ તપસ્યા ઉત્કૃષ્ટ ભાવે કરી અને એક માસની અંતિમ સાધના કરી સર્વાર્થસિધ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે. ત્યાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ ત્યાંથી સિધ્ધ થશે.
સમ્યક્ તપ એ અનંત કર્મની નિર્જરાનું પ્રધાન સાધન છે. અનંત તીર્થંકરોએ તેમજ અન્ય સર્વ સાધકોએ તપનો માર્ગ અપનાવ્યો છે. સંસારના સર્વ ભૌતિક ભાવોને છોડ્યા પછી સંયમ માર્ગને પરિપક્વ બનાવવા માટે તપ સાધના અનિવાર્ય છે. ધન્ય અણગારે એ સાબિત કરી બતાવ્યું કે શરીરની શક્તિ કરતાં આત્માની શક્તિ અનંતગણી છે.
103