________________
પ્રથમ અને બીજા વર્ગના કુલ ૨૩ અધયયનમાં શ્રેણિક રાજાના જાલિ આદિ ર૩ પુત્રોના સાધનામય જીવનનું વર્ણન છે. આ દરેક રાજકુમારોના પુણ્યશાળી જીવન, ૭ર કળામાં પ્રવીણતા, આઠ પત્નીઓ, ભગવાનના દર્શનથી વૈરાગ્ય ભાવ, દીક્ષા, તપસંલેખના, સંથારો, પાંચ અનુત્તર વિમાનમાં ગમન, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ, ત્યાંથી સિધ્ધ થશે તેવો ક્રમિક ઉલ્લેખ એક સરખો છે.
ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનમાં ધન્યકુમારનું જીવન વિશેષતા યુક્ત હોવાથી વિસ્તારપૂર્વક સૂત્રકારે વર્ણવેલ છે. કાંકદી નામની નગરીમાં, ભદ્રા નામની સાર્થવાહીના ધન્યકુમાર પુત્ર છે. ભદ્રા સાર્થવાહી એક સાધન સંપન્ન નારી હતી, પ્રચુર ધન સંપત્તિ, વિપુલ ગોધન અને અનેક દાસ દાસી તેની સંપદા હતી. સમ્માન યુક્ત હતી.
અહીં પ્રસ્તુત સૂત્ર પરથી તે સમયની સ્ત્રી જાતિની ઉન્નતિનો પરિચય થાય છે. સાર્થવાહી સ્ત્રીઓ આયાત-નિકાસ વેપારનું મોટુ સાહસ ખેડતી. વ્યાપાર, વ્યાજવટાવ આદિ ક્ષેત્રમાં સ્ત્રીનો પ્રવેશ હતો. સ્ત્રી પુરુષ સમોવડી હતી. સાથે સાથે સાંસારિક જવાબદારી પણ સુપેરે નિભાવતી હતી. અહીં ધન્યકુમારના પિતાનું વર્ણન નથી તેથી એમ માની શકાય કે તે નાની ઉંમરે જ કાળ કરી ગયા હશે.
ધન્યકુમારનો જન્મ સમૃધ્ધ ઘરમાં થયો હતો. તેનું શરીર પરિપૂર્ણ અને સુંદર હતું. પાંચ ધાત્રીઓ દ્વારા પાલન પોષણ થયું હતું. ૭૨ કળામાં પ્રવીણ હતા. યૌવન અવસ્થામાં આવતા વર કન્યા સાથે પાણિગ્રહણ થયું. માતા તરફથી ધન્યકુમારને પ્રીતિદાનમાં સોના, ચાંદી, મોતી, ગોકુળ, ઘોડા, હાથી, દાસી, ઘરવખરીની વસ્તુઓ વગેરે સેંકડો વસ્તુ ૩ર-૩રના પ્રમાણમાં મળી. જે ધન્યકુમારે પ્રત્યેક પત્નીઓને આપી
દીધી.
તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કાકંદી નગરીમાં પધાર્યા. ધન્યકુમાર ભગવાનના દર્શને ગયા. ભગવાનની દેશના સાંભળી વૈરાગ્યભાવ જાગ્યો. માતાની આજ્ઞા લઈને સંપૂર્ણ સાંસારિક ભોગવિલાસને ત્યજીને અણગાર બની ગયા. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ભગવાનની આજ્ઞા લઈ જીવન પર્યત નિરંતર છઠ્ઠ તપ તથા પારણામાં આયંબિલ કરવાની પ્રતિજ્ઞા લીધી. તે અહીં ધન્ય અણગારની આહાર અને શરીર વિષયક અનાસક્તિનું તથા રસનેન્દ્રિયના સંયમનું દિવ્ય દિગ્દર્શન થાય છે. આવી દઢ પ્રતિજ્ઞાનું પાલન કરતાં કયારેક ગોચરીમાં ભોજન મળે તો પાણી ન મળ્યું અને જો પાણી મળ્યું તો ભોજન ના મળતું હોય. આવી અવસ્થામાં પણ અદીન, પ્રસન્નચિત્ત, કષાય મુક્ત અને વિષાદ રહિત ઉપશમ ભાવમાં, સમાધિ ભાવમાં સ્થિત રહ્યા.
102.