________________
(૪) ૧૨મા અધ્યયન હરિકેશીયમાં હરિકેશમુનિનું દૃષ્ટાંત રજુ કર્યું છે.
સંસારથી વિરક્ત બનેલા રાજા શંખ દીક્ષા ગ્રહણ કરી સાધના કરે છે. એકવાર ભિક્ષા માટે હસ્તિનાપુર નગરમાં આવ્યા. નગરનો રસ્તો બહુ તપેલો હતો. એ રસ્તે જવું મુશ્કેલ હતું. એમણે ત્યાં ઉભેલા સોમદેવ પુરોહિતને બીજો માર્ગ પૂણ્યો. પુરોહિત જૈનધર્મનો દ્વેષી હતો. જાણી જોઇને ખોટો રસ્તો બતાવે છે. મુનિના નિર્મળ ચરિત્રના પ્રભાવથી એ ગરમ રસ્તો ઠંડો થઈ ગયો.
પુરોહિતને એ માર્ગે સાધુને જતા જોઈ આશ્ચર્ય થયું. એ સાધુથી તે પ્રભાવિત થાય છે અને દીક્ષા લે છે.
દીક્ષા લીધા પછી પણ એને જાતિમદ જતો નથી. આથી આયુ પૂર્ણ થતા દેવલોકમાં ભવ પૂર્ણ કરે છે. ત્યારબાદ ચંડાલ યોનિમાં જન્મ લે છે. આનું નામ બલ રાખવામાં આવે છે. આ બાળક બધાને હાંસી પાત્ર હતો. એકવાર તેણે વિષધર સાપને જોયો. તેને બધાએ માર્યો. જ્યારે બીજો સાપ વિષ વગરનો હતો તો તેની બધા પૂજા કરવા લાગ્યા. આ જોઈ તેને જ્ઞાન થયું કે માણસ પોતાના સ્વભાવ, કર્મથી સુખ દુઃખ પામે છે અને તે દીક્ષા લઈ કઠોર તપ કરે છે. અને ઉત્તરોત્તર મોક્ષ સુખ પ્રાપ્ત કરે છે.
આમ આ કથા દ્વારા ત્યાગ, તપનો મહિમા બતાવ્યો છે. તેમજ કર્મથી જાતિ નક્કી થાય છે જન્મથી નહિ આવો સુંદર બોધ આપ્યો છે. (૫) ૧૩મું અધ્યયન ચિત્રસંભૂતિ છે.
સાકેતપુરના ચંદ્રાવતંસક રાજાના પુત્ર મુનિચંદ્ર દીક્ષા લીધી. એકવાર મુનિચંદ્ર વિહારમાં રસ્તે ભૂલા પડે છે અને જંગલમાં પહોંચી જાય છે. ત્યારે ચાર ગોવાળો એ મુનિચંદ્રને થાકેલા જોયા. ત્યારે તેઓએ યોગ્ય આહાર-પાણી આપી ભક્તિ કરી. મુનિશ્રીએ તેમને ધર્મોપદેશ આપ્યો, જે સાંભળી ચારેય જણે દીક્ષા લીધી. એમાંથી બે જણ દીક્ષાનું બરાબર પાલન કરે છે પરંતુ બીજા બેને મલિન વસ્ત્રોથી દુર્ગછા થાય છે. ચારે મુનિ કાળધર્મ પામી દેવલોકમાં ગયા.
મલિન વસ્ત્ર ઉપર દુર્ગછા કરવાવાળા બંને મુનિ દેવલોકનું આયુ પૂર્ણ કરી દશપુર નગરમાં દાસીપુત્રરૂપે જન્મ્યા. સર્પદંશથી બંનેનું મૃત્યુ થઈ, મરીને હરણ બન્યા. ત્યાં શિકારીના બાણોથી મૃત્યુ થઈ મરીને હંસરૂપે થયા. ત્યાંથી મરીને ભૂતદિન્ન નામના ચાંડાળના ઘરે ચિત્ર, સંભૂતિ નામે પુત્રરૂપે જન્મ્યા. આ જ નગરીમાં શંખ નામે રાજા હતો. ત્યાં નમુચિ મંત્રીને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી. આ કાર્ય ભૂતદિન્ન ચાંડાળને સોપ્યું.