________________
- આ સાંભળી કપિલ અડધી રાત્રે જ ચાલી નીકળ્યા. રસ્તામાં ચોકીદારોએ તેમને ચોર સમજી પકડ્યા અને બીજે દિવસે રાજા સમક્ષ રજુ કર્યા. કપિલે રાજાને બધી હકીક્ત કહી સંભળાવી. રાજા તેનાથી સંતુષ્ટ થઈ તેને છોડી મૂકે છે અને જોઈતું ધન માંગી લેવા કહે છે. આ સાંભળી કપિલ ખુશ થઇ વિચારે છે કે કેટલું ધન માંગવું. વિચાર કરતા ગયા તેમ તેમ લોભ વધતો ગયો. તરત જ આત્મ જાગૃતિ થઈ અને ભાન આવ્યું કે પોતે શું કરવા બેઠા છે. તરત જ વૈરાગ્ય આવતા સાધુ બની ચાલી નીકળ્યા અને એક મહાન તપસ્વી બની મોક્ષ સુખ પ્રાપ્ત કરે છે.
આમ, આ કથા દ્વારા દુઃખ મુક્તિનો ઉપાય તેમજ આસક્તિ એ કર્મ બંધનનું મૂળ છે એમ ઉપદેશ આપ્યો છે. (૩) અધ્યયન ૯- નમિપ્રવજ્યા છે. તેમાં નમિરાજર્ષિ અને ઇંદ્રનો સંવાદ સુંદર રીતે વર્ણવ્યો છે.
આ કથામાં એકવાર નમિરાજાને તીવ્ર દાહ ઉત્પન્ન થયો, વૈદ્યના કથનથી એના શરીર પર ચંદન લગાવ્યું. નમિની રાણીઓ ચંદન ઘસે છે ત્યારે કંકણનો અવાજ સાંભળી નમિરાજા પરેશાન થઈ ગયા. ત્યારે મંત્રીના ઇશારાથી દરેકે એક એક કંકણ ધારણ કરી બાકીના ઉતારી દીધા. ત્યારે અવાજ થતો બંધ થયો. રાજાએ મંત્રીને પૂછયું, ચંદન ઘસવાનું બંધ કર્યું છે? ત્યારે મંત્રીએ કહ્યું કે રાણીઓએ એક કંકણ સિવાય બાકીના ઉતારી દીધા છે. મંત્રીની આ વાત સાંભળી રાજા એકત્વ ભાવમાં ચઢી ગયા. વિચાર્યું કે, “એકમાં સુખ છે, સંયોગમાં દુ:ખ છે.”
રાત્રે જ સંકલ્પ કરે છે કે જો દાહ મટી જશે તો દીક્ષા લઈશ. નસીબ જોગે દાહ મટી જાય છે. રાજા નમિ રાજપાટ છોડી દીક્ષા અંગીકાર કરે છે. એમના વૈરાગ્યની પરીક્ષા કરવા ઇંદ્ર બ્રાહ્મણનો વેશ પહેરી અગ્નિવિદુર્વા કહે છે કે, “નગર બળી રહ્યું છે, અંતઃપુરમાં આગ લાગી છે તો તમે ઉપેક્ષા કેમ કરો છો?”
ત્યારે ભાવથી એકાકી બનેલા નમિરાજર્ષિએ જવાબ આપ્યો કે, “જે બળી રહ્યું છે તે મારું નથી અને મારું છે એ બળતું નથી.”
આ ઉત્તર સાંભળી ઇંદ્ર પોતાનું મૂળરૂપ ધારણ કરે છે અને રાજર્ષિને ભાવપૂર્વક વંદન કરે છે.
આમ આ કથા દ્વારા આત્માની પુષ્ટિ થાય છે અને સંસાર પર ઉદ્વેગ આવે છે. આ કથામાં ઈંદ્રનું પ્રગટ થવું એ અદ્ભુત રસ છે અને રાજાર્ષિનો વૈરાગ્ય એ કર્મો સામેની વીરતા પ્રગટ કરે છે. આમ, વીરરસનું તેમ શાંતરસનું ભરપૂર વર્ણન છે. કથા હદયને સ્પર્શી જાય છે.
80