________________
ઢાલ - ૫ કડી નંબર ૪૦થી ૪૭માં કવિએ ધર્મરત્નને માટે યોગ્ય બનાવનારા શ્રાવકોચિત એકવીસ ગુણોનાં નામ આપ્યા છે.
ધર્મરત્નને માટે યોગ્ય તે કહેવાય, કે જે આ એકવીસ ગુણોથી યુક્ત હોય. જેમ કે ૧) છિદ્રરહિત જે શ્રાવક હોય, તેના ચરણમાં હું માથું નમાવું છું. ધર્મરત્નને માટે યોગ્ય તે કહેવાય આંચલી. ૨) એ રૂપવંત અર્થાત્ પૂર્ણ અંગવાળો બીજા ગુણે જુઓ, ૩) એ નર સૌમ્ય પ્રકૃતિથી શોભે, ૪) સકળલોકમાં તે લોકપ્રિય હોય, ૫) એ ક્રૂર દૃષ્ટિથી જુએ નહિ, ૬) પાપભીરુ શ્રાવકપણામાં હોય, છઠ્ઠો ગુણ એ જાણવો, ૭) જે જ્ઞાની પુરુષ સાંભળીને બોલે (અસઠ હોય) એ શ્રાવકનો સાતમો ગુણ વખાણો, ૮) દાક્ષિણ્ય, ૯) લજજાવંત અને ૧૦) દયાળુ તેમ જ ૧૧) મધ્યસ્થવર્તીને વંદન કરો, ૧૨) પૂનમના ચંદ્ર જેવી એ શ્રાવકની સૌમ્યદૃષ્ટિ જુઓ (સુદૃષ્ટિવંત), ૧૩) ગુણાનુરાગી ગુણવાળો હોય, ૧૪) ધર્મકથા કરીને લોકોને તારનાર હોય, ૧૫) જે ભલાપક્ષનો (સુપક્ષ યુક્ત) હોય તે શ્રાવકપણું ઉત્તમ છે, ૧૬) દીર્ઘદૃષ્ટિ સોળમો ગુણ, વળી ૧૭) વિશેષજ્ઞ પણ જાણવો, ૧૮) જે ગુરુ આદિ વડીલનો વિનય ઉમંગથી રાખે તેવા શ્રાવકને વખાણો, ૧૯) કરેલાં ગુણને (ઉપકારને) જાણે (કૃતજ્ઞ હોય) તેવા શ્રાવકને નિત્ય વંદન કરો, ૨૦) જે નર પરોપકારી હશે, તેના થકી કલ્પવૃક્ષની હારમાળા થાય, ૨૧) જે લબ્ધલક્ષી હોય તે સાચો શ્રાવક, તેની સંગાથે રહેવું. આ એકવીસ ગુણો સહુએ સાંભળ્યા, માટે હંમેશાં આ ગુણોને સહુ આત્મામાં (ધારણ)
ગ્રહણ કરો.
|| દૂહા ||
એકવીસ ગુણ અંગિ ધરી, ધ્યાઓ તે જિન ધર્મ । ગ્રહી વ્રત ચોખું પાલઇ, પદ લહીઇ યમ પર્મ ।।૪૮ ।।
બારઇ બોલ સોહામણા, સુણજ્યું સહુ ગુણવંત |
લીધું વ્રત નવિ ખંડીઈ, ભાખઈ શ્રી ભગવંત ||૪૯ ||
કડી નંબર ૪૮-૪૯માં વ્રત લઈને તેનું ખંડન ન કરવું તે વાત કવિ કહે છે.
આવા એકવીસ ગુણો આત્મામાં ધારણ કરીને જૈનધર્મની આરાધના કરવાની છે. વ્રતને ગ્રહણ કરવાથી તેમ જ શુદ્ધ રીતે પાળવાથી પરમ પદ પ્રાપ્ત થાય છે. આ બાર વ્રત અતિ સુખ આપે તેવાં તેમ જ આત્માના કલ્યાણકારી છે, માટે સહુ કોઈ સાંભળજો અને લીધેલું વ્રત ખંડિત કરતા નહિ, એમ શ્રી ભગવંત ભાખી ગયા છે.
ઢાલ || ૬ ||
દેસી. ભવીજનો મતી મુકો જિનધ્યાનિ. ।।રાગ. શામેરી ।। ગુરુ ગ્યરૂઆ મુનીવર કનિ, જે કીધુ પચખાંણો રે ।
તે નીસચઇ કરી જન પાલુ, જિહા ઘટ ધરીઈ પ્રાંણો રે ।।૫૦ ।।