________________
કવીત છંદ ગુણ ગીતનો, જે નવી જાણઈ ભેદ / તુ તૂઠી મુખ્ય હનિ, વચન વદઇ તે વેદ //૮ // સુર્યાખ મોટો ટાલીઓ, કવી કીધો કાલદાસ / જગવખ્યાતા તેહવો, જો મુખ્ય કીધો વાસ //૯ // કીર્તિ કરૂ તુઝ કેટલી, સૂઝ મુખ્ય રસના એક | કોડ્ય જિલ્લાઈ ગુણ સ્તવું, પાર ન પામું રેખ //૧૦ // તોહઈ તુઝ ગુણ વર્ણવું, સૂઝ મતી સારૂ માય /
નખ મુખ વેણી શીર લગઈ કવી તાહારા ગુણ ગાય //૧૧ // કવિ રાસનો પ્રારંભ મંગલાચરણ રૂપી દૂહામાં કડી નંબર ૧થી ૫માં પોતાના ઈષ્ટદેવ શ્રી પાર્શ્વનાથની સ્તુતિથી કરે છે.
કવિ કહે છે કે, પાર્શ્વ જિનેશ્વરનું પૂજન કરીને, જિનધર્મની આરાધના કરીને તેમ જ મહામંત્ર સમા નવકારના નવપદનું ધ્યાન ધરીને શુભકાર્યની શરૂઆત કરવી.
કવિ અરિહંતદેવને સદા વંદા કરે છે, તો સિદ્ધ ભગવંતને ત્રણે કાળમાં વંદન કરે છે. જિનશાસનના રક્ષકરૂપી રાજા શ્રીઆચાર્યજીને પણ વંદન કરે છે. ઉપાધ્યાયજીની પદવી પણ પવિત્ર છે. માટે તેમને પણ દિવસ રાત વંદન કરે છે. સર્વ સાધુઓને નિત્ય વંદન કરે છે, કારણ કે તેઓ ધર્મનું પાલન સંપૂર્ણપણે પાળે છે. ક્રોધ, માન, માયા અને લોભરહિત છે. ઈન્દ્રિયોના વિષયને જીતનાર છે. તેમ જ મુક્તિની યોગ્યતાવાળા ભવ્ય જીવોને ઉપદેશ આપે છે.
'પાંચથી અગિયાર કડીમાં કવિ સરસ્વતી દેવીની સ્તુતિ કરે છે. કે જે તેમની સરસ્વતી દેવી પ્રત્યેની સંપૂર્ણ ભક્તિને પ્રગટ કરે છે.
કવિ સરસ્વતીની સ્તુતિ કરતાં કહે છે કે, હે સરસ્વતી મા! તારા મહિમા થકી અપાયેલ ઉપદેશથી સર્વજનને આનંદ મળે છે. માટે હે શારદા મા, મારા સર્વ કાર્ય પાર પાડજે. તે કારણથી હું તને નમું છું. તારી ઉપાસના કરું છું.
હે મા! તું મને સારું સ્મરણ કરાવજે. મારી બુદ્ધિ તો નાદાન છે, હું શું રચના કરું? પણ મેં તારો સહારો લીધો છે. હું કોઈ છંદશાસ્ત્રના ભેદ તેમ જ વ્યાકરણના વિવિધ પ્રકાર જાણતો નથી, પણ મૂર્ખ માનવીમાં શોભતો એવો હું તારા ચરણની સેવા કરું છું. તેમ જ કવિત્વના છંદ ગીતગુણ વગેરે પણ જાણતો નથી પરંતુ સરસ્વતી જેની વાણી ઉપર પ્રસન્ન થાય છે, તે વેદના વચન પણ બોલી શકે છે.
કવિ દષ્ટાંત આપતાં કહે છે કે, કવિ કાલીદાસના મુખમાં જ્યારે માતા સરસ્વતીએ વાસ કર્યો ત્યારે તેનું મૂર્ણપણું તો ટળી ગયું, પણ સાથે સાથે જગવિખ્યાત થયા. તારી કેટલી કીર્તિ કરું? મારા મુખમાં તો એક જ જીભ છે. કરોડો જીભોથી તારા ગુણ ગાઉં તો પણ અંશમાત્ર કરી શકું નહિ. તેમ છતાં મારી બુદ્ધિ પ્રમાણે હે માતા! તારા ગુણ વર્ણવું છું. બન્ને હાથ જોડી નખ રૂપી વેણી બનાવી મસ્તક ઉપર લગાડી વંદન કરું છું અને તારા ગુણ ગાઉં છું.