________________
ઢાલ-૮
દષ્ટાંત કથાઓ
સનતકુમાર ચક્રવતી પ્રભુતા એ બલમદ વારો, રૂપમાંન એક મન્નો રે /
સનતકુમાર જુઓ જગી ચક્રવંઈ, અંગિ રોગ ઊપનો રે //૬૯ // રૂપનું અભિમાન કરવાથી દેહમાં રોગ ઉત્પન્ન થયા. આ વાત “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'૧૮માં આપેલ સનત ચક્રવર્તીના દષ્ટાંત કથાનકને આધારે ઉપરોક્ત કડીમાં કવિએ સમજાવી છે, જે નીચેની કથા દ્વારા સમજાય છે.
કુરુદેશના ગજપુર નગરમાં સનતકુમાર નામે રાજા હતા. તેઓએ છ ખંડ જીતી ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું હતું. તેઓ અતિશય રૂપવાન હતા, કે આવું સુંદર રૂપ પૃથ્વી ઉપર કોઈનું ન હતું. એટલે ઈન્દ્રરાજાએ દેવોની સભામાં એમના રૂપની પ્રશંસા કરી. ઈન્દ્રરાજાની આવી વાણી સાંભળી બે દેવોને શંકા ઉત્પન્ન થઈ. તેમની પરીક્ષા કરવા બ્રાહ્મણનું રૂપ લઈ સનતકુમાર પાસે આવ્યા. એ વખતે સનતકુમાર નાહવા બેઠેલા હતા, તે રૂપ જોઈ બન્ને દેવો હર્ષ પામ્યા. વિધાતાએ તમારું રૂપ બેનમૂન ઘડ્યું છે, એમ કહી રૂપનાં ઘણાં વખાણ કર્યા. ત્યારે સનતકુમાર ગર્વથી બોલ્યા, “અત્યારે તો આ મારી કાયા પીઠીથી ભરેલી છે, પરન્તુ હું નાહી, પોશાક, અલંકાર વગેરે ધારણ કરી રાજ્યસભામાં બેસું ત્યારે મારું રૂપ જોજો.” આટલા રૂપના અહંકાર માત્રથી તેમના શરીરમાં રોગો ઉત્પન્ન થઈ ગયા.
પછી સનતકુમાર વસ્ત્રો-આભૂષણોથી સજીધજી રાજ્યસભામાં આવ્યા અને બ્રાહ્મણના વેશમાં દેવો પણ ત્યાં સનતકુમારનું રૂપ જોવા પધાર્યા પરંતુ તેમને સનતકુમારનું રૂપ જે નાહવા બેઠેલા ત્યારે હતું તેવું ન દેખાયું. તેમની કાયા રોગોથી ભરેલી દેખાઈ. તરત દેવોએ સનતકુમારને કહ્યું કે, “તમારી કાયા તો રોગોથી ભરેલી છે.” આ સાંભળી સનતકુમાર અભિમાનપૂર્વક બોલ્યા કે “તમો બ્રાહ્મણો પછાત બુદ્ધિના છો'. આથી બ્રાહ્મણોએ કહ્યું, “તમે એકવાર ઘૂંકી તો જુઓ.” તરત સનતકુમાર જેમનું મોં તંબોળથી ભરેલું હતું તેમણે ઘૂંકીને જોયું તો તેમાં કીડા ખદબદતાં દેખાયા. આ જોઈ તેઓ ચોંકી ઊઠ્યા અને વિચારવા લાગ્યા. અરે રે! આવી મારી કાયા! આ કાયાનો શો ભરોસો, એમ વિચારી છ ખંડનું રાજ્ય, કુટુંબકબીલા બધું જ ત્યજીને ચારિત્રગ્રહણ કરી લીધું. ત્યારપછી સમાધિપૂર્વક રોગ પરીષહ સહીને, આયુષ્ય સમાપ્ત કરી, ત્રીજા દેવલોકે ગયા આ પછી બીજો એક ભવ કરી મોક્ષે જશે.
: સંદર્ભસૂચિ : જૈન શાસનના ચમકતા હીરા - સંપાદક - હરજીવનદાસ વાડીલાલ શાહ ........
............ પૃ. ૨૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૮મું અધ્યયન - પ્રકાશક - શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન.......................... પૃ. ૩૫૬