________________
શ્રદ્ધા અને અનાસક્તિ જેવા ગહન વિષયો ઉપર કથાના માધ્યમે પ્રકાશ પાડ્યો છે.
જૈન કથા સાહિત્ય વિવિધ પ્રકારે લખાયેલું છે. ઘણી ખરી કથાઓ અત્યંત મનોરંજક છે. લોકકથાઓ, નીતિકથાઓ, દંતકથાઓ, આખ્યાન આદિ વિવિધ કથાઓ છે. એટલે જ વિશ્વના વિદ્યુત વિજ્ઞોએ એને વિશ્વસાહિત્યનો અક્ષયનિધિ માન્યો છે. ડૉ. વિન્ટરનિસના શબ્દોમાં કહીએ તો જૈનસાહિત્યમાં પ્રાચીન ભારતીય કથાસાહિત્યનાં અનેક ઉજ્વલ રત્ન વિદ્યમાન છે. સુપ્રસિદ્ધ ડૉ. હર્ટલે જૈન કથાકારોની પ્રશંસા કરતાં લખ્યું છે કે, એ વિજ્ઞોએ આપણને કેટલીક એવી અનુપમ ભારતીય કથાઓનો પરિચય કરાવ્યો છે જે અમને અન્ય કોઈ સ્ત્રોતમાંથી ઉપલબ્ધ થતો નથી.
જૈનધર્મના મૂર્ધન્ય મનીષીઓએ લોકોને આંતરમાનસમાં ધર્મ, દર્શન અને અધ્યાત્મના સિદ્ધાંત પ્રસારિત કરવાની દૃષ્ટિથી કથાઓનો આશરો લીધો છે અને કથાઓના માધ્યમથી તેઓ દાર્શનિક ગૂઢગૂંચોને સહજ રૂપે ઉકેલવામાં સફળ પણ થયા છે. જૈન કથા સાહિત્યની સૌથી મોટી વિશેષતા એ છે કે એમાં સત્ય, અહિંસા, પરોપકાર, દાન, શીલ વગેરે સદ્ગણોની પ્રેરણાનો સમાવેશ છે. કથા એક એવું માધ્યમ છે જેથી વિષય સહજપણે હૃદયંગમ થઈ જાય છે. એટલે અન્ય અનુયોગોની અપેક્ષાએ કથાનુયોગ અધિક લોકપ્રિય થયો અને એ જ કારણે દિગંબર મનીષીઓએ એને પ્રથમાનુયોગની સંજ્ઞા પ્રદાન કરી છે. માનવના સંપૂર્ણ જીવનને ઉજ્જવલ કરનાર પરમ પુનીત ભાવનાઓ આ અનુયોગમાં મુખરિત થઈ છે. તેમ જ સમાજના પરિશોધનમાં આ કથાઓનો મહત્ત્વપૂર્ણ ફાળો છે.
શ્રાવક કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં જન સામાન્યને ઉપદેશ આપવાના ઉદ્દેશથી અનેક દષ્ટાંત કથાઓનો વિનિયોગ કર્યો છે. આ કથાઓ આગમ ગ્રંથો, જૈન આરાધના કથા કોષ તેમ જ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર જેવા મુખ્ય જૈન ગ્રંથોમાંથી લીધી છે. તે અહીં સંક્ષિપ્તમાં રજુ કરું છું.