________________
પ્રકરણ ૬ , જૈન કથાનકોમાં પ્રગટતો વત મહિમા
કથા તત્ત્વનું લક્ષ ધર્મકથા એ ઉપદેશનું પ્રબળ સાધન છે. ભારતના બધા ધાર્મિક ગ્રંથોએ કથાઓનો મુખ્ય આધાર લીધો છે. જૈન શાસ્ત્રોએ પણ ધર્મકથાને ઉપદેશનું પ્રધાન અંગ માન્યું છે.
આચાર્યોએ સમગ્ર જૈન વાડ્મયને ચાર વિભાગોમાં વિભક્ત કર્યું છે અને તેને ચાર ‘અનુયોગ’ એવું ગુણાનુસારી નામ આપ્યું છે. જેમ કે ૧) ચરણ-કરણાનુયોગ ૨) ધર્મકથાનુયોગ ૩) ગણિતાનુયોગ અને ૪) દ્રવ્યાનુયોગ. ધર્મકથાનુયોગ આ ચાર અનુયોગમાંથી એક મુખ્ય અનુયોગ છે. તત્ત્વજ્ઞાન કથામાં પીરસાય છે ત્યારે તે જ્ઞાન રસપ્રદ બની જાય છે અને જ્યારે કાવ્યનું રૂપ ધારણ કરે ત્યારે તે
સ્મૃતિને અનુકૂળ બની વરસો સુધી યાદ રહી શકે છે. તે ઉપરાંત આવી કથાઓમાં તત્ત્વજ્ઞાનની સાથે સાથે કેટલાક નૈતિક, સામાજિક અને વ્યવહારિક ભાવો પણ પીરસાય છે.
માનવ વાર્તાપ્રિય પ્રાણી છે. વાર્તા કહેવી અને સાંભળવી તેને ગમે છે. શૈશવ કાળમાં પરીકથા, બાલ્યાવસ્થામાં અભુતરસની કથા, યૌવનમાં પ્રેમ-વિરહ, શૌર્યની કથા, નિવૃત્તિનો સાત્વિક આનંદ માણવા પ્રૌઢાવસ્થા કે જીવન સંધ્યાના સમયે ધર્મતત્ત્વ અને અધ્યાત્મકથા તરફ વળે છે.
કોરા લોટને ગળે ઉતારવો મુશ્કેલ છે પણ તે શીરા રૂપે પરિવર્તિત થઈ જાય તો ખૂબ સહેલાઈથી ગળે ઉતરી જાય છે. તેમ તત્ત્વોની ગહન વાતો, નીતિના નિયમો સમજવા અતિ મુશ્કેલ છે. લોકોકિત પણ છે ‘દષ્ટાંત વિના નહીં સિદ્ધાંત' અર્થાત્ દષ્ટાંત વિના સિદ્ધાંત સમજાય નહી, જીવનને ઊર્ધ્વગામી બનાવતા સનાતન સત્યો, આચરવા યોગ્ય આચરણના સિદ્ધાંતોને દષ્ટાંતો દ્વારા, મહાપુરુષોની જીવન ઘટનાના ઉદાહરણો દ્વારા કે કથાઓના માધ્યમે સમજાવવામાં આવે, તો તે સહજ રીતે ગળે ઉતરી જાય છે અને ભારેખમ બન્યા વિના જીવનમાં વણાઈ જાય છે. ઉપદેશ કે બોધને દષ્ટાંતો રસાળ બનાવે છે અને રસાળ વસ્તુ વિના આયાસે વિચારમાં અને આચારમાં સ્થાન જમાવી લે છે.
આ મનોવૈજ્ઞાનિક તથ્યને લક્ષ્યમાં રાખી નીતિકારોએ પંચસંગ્રહ જેવા કથા ગ્રંથોની રચના કરી છે. વિશ્વના સર્વ ધર્મ સંસ્થાપકોએ વેદ, ઉપનિષદ, ત્રિપિટક, કુરાન, બાઈબલ જેવા ધર્મગ્રંથોમાં દષ્ટાંતો અને કથાઓનો મહદ્ અંશે ઉપયોગ કર્યો છે. ભગવાન મહાવીરે પણ સાધકોના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે આત્મા-પરમાત્માની વાતો, કર્મના સિદ્ધાંતો, પુદ્ગલ સ્વાભાવાદિ જેવા ગંભીર વિષયોને આત્મસાત્ કરાવવા દષ્ટાંતો, કથાઓ દ્વારા બોધ પ્રદાન કર્યો છે. આવી કથાઓનો સંગ્રહ એટલે “શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર' જો કે અંતગડ, અનુત્તરોપપાતિક અને વિપાક સૂત્ર વગેરે અંગસૂત્રો પણ કથાત્મક દેહ ધરાવે છે. તેમ છતાં “શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર કથાઓની આકર (ખાણ) રૂપ છે. ધર્મકથાની આ ખાણ વિવિધ મૂલ્યવાન કથારત્નોથી પરિપૂર્ણ છે. તેમાં આત્મ ઉન્નતિના હેતુ, આત્માની અધોગતિના કારણો, નારીની ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ઉત્કર્ષની વાતો, આહારનો ઉદ્દેશ તથા