________________
વ્યાપારોનો ત્યાગ કરવાનું વિધાન છે.
‘યોગશાસ્ત્ર અનુસાર, શરીરની શક્તિ પ્રમાણે જે વ્રતમાં ભોગપભોગની સંખ્યાનો નિયમ કરાય છે તે ભોગપભોગ નામનું બીજું ગુણવ્રત કહેવાય છે. ધર્મસંગ્રહ'માં બીજા ગુણવ્રતની પરિભાષા આપતાં દર્શાવ્યું છે કે,
भोगोपभोगयो: सफ्या-विधानं यत् स्वशक्तित: ।
__ भोगोपभोगमानाख्यं, तद् द्वितीयं गुणव्रतम् ।।३१ ।। અર્થાત્ સ્વશક્તિ અનુસાર ભોગ્ય અને ઉપભોગ્ય પદાર્થોનું સંખ્યાદિરૂપે પ્રમાણ કરવું. તે ભોગોપભોગ પરિમાણ' નામનું બીજું ગુણવ્રત છે.
શ્રી આવશ્યક સૂત્રમાં આ વ્રતનું નામ “ઉપભોગ પરિભોગ વ્રત’ આપ્યું છે.
જે એક જ વાર ઉપયોગમાં આવે તે અનાજ, પુષ્પમાલા, તાંબુલ, વિલેપન વગેરે ભોગ કહેવાય છે અને જે વારંવાર ફરી ઉપયોગમાં આવે તે વસ્ત્ર, અલંકાર, શય્યા, આસન વગેરે ઉપભોગ કહેવાય. ભોગ અને ઉપભોગનાં સાધનોનું થોડા સમય અથવા જીવનપર્યત મર્યાદા કરવી ‘ભોગોપભોગ પરિમાણ વ્રત' છે. શ્રાવક આ વ્રત ત્રણ યોગ અને એક કરણથી સ્વીકારે છે.
આ વ્રત ભોજનની અપેક્ષાએ અને કર્મ (કાર્યની)ની અપેક્ષાએ બે પ્રકારનું છે.
ભોજનની અપેક્ષાએ છવ્વીસ વસ્તુઓની મર્યાદા કરવી જોઈએ અને કર્મ (કાર્યોની અપેક્ષાએ પંદર કર્માદાનનો ત્યાગ કરવો જોઈએ.
શ્રી ઉપાશકદશાંગ સૂત્ર' ૧/૨૫માં આનંદ શ્રાવકે બાવીસ બોલની મર્યાદા કરી હોવાનું દર્શાવ્યું છે. વર્તમાન પ્રચલિત પરંપરા અનુસાર શ્રાવક છવ્વીસ બોલની મર્યાદા કરે છે, જે નીચે પ્રમાણે છે.
૧) અંગ લૂછવા માટે ટુવાલની જાત તથા સંખ્યાની મર્યાદા, ૨) દાતણની જાત તથા પ્રમાણની મર્યાદા, ૩) વિલેપનના પ્રમાણની મર્યાદા, ૪) માલિશના તેલની જાતિ તથા પ્રમાણની મર્યાદા, ૫) પીઠીની જાત તથા પ્રમાણની મર્યાદા, ૬) સ્નાન માટેના પાણીનું પ્રમાણ, ૭) વસ્ત્રની જાતિ તથા પ્રમાણ, ૮) તિલક માટે કુમકુમ, ચંદન માટેનું પ્રમાણ, ૯) માળાના ઉપયોગ માટે ફૂલના પ્રકાર તથા પ્રમાણ, ૧૦) આભૂષણોના પ્રકાર તથા પ્રમાણ, ૧૧) લોબાન વગેરે ધૂપના પ્રકાર તથા પ્રમાણ, ૧૨) પેય પદાર્થો ચા, દૂધ, કાંજી વગેરેનો પ્રકાર તથા પ્રમાણ, ૧૩) મીઠાઈના પ્રકાર તથા પ્રમાણ, ૧૪) ચોખાની જાત અને પ્રમાણ, ૧૫) ચણા, મગ, અડદ વગેરે દાળના પ્રકાર અને પ્રમાણ, ૧૬) ઘી, તેલ, ગોળ, ખાંડ વગેરે વિગયના પ્રકાર અને પ્રમાણ, ૧૭) શાકભાજીના પ્રકાર અને પ્રમાણ, ૧૮) કેળાં, ચીકુ, સફરજન વગેરે મધુર ફળના પ્રકાર અને પ્રમાણ, ૧૯) ભોજનની મર્યાદા અથવા તળેલા પદાર્થોની મર્યાદા, ૨૦) પીવાના પાણીની મર્યાદા, ૨૧) પાન, સોપારી વગેરે મુખવાસની મર્યાદા, ૨૨) મોટર, સાઈકલ, સ્કૂટર વગેરે વાહનોની મર્યાદા, ૨૩) બૂટ, ચંપલ આદિ પગરખાંની મર્યાદા, ૨૪) સૂવા માટે શય્યા, ખાટલા, પલંગ આદિની મર્યાદા, ૨૫) સચિત્ત પદાર્થોની મર્યાદા અને ૨૬) આખા દિવસમાં અથવા ભોજન સમયે પાંચ, દશ આદિ સંખ્યાની ગણનાપૂર્વક દ્રવ્યની મર્યાદા.