________________
દીધનિકાય' પૃ. ૧૩૧માં ત્રણ અર્થોમાં બ્રહ્મચર્ય શબ્દ પ્રયુક્ત થયો છે.
૧) બુદ્ધ દ્વારા પ્રતિપાદિત ધર્મ માર્ગ, ૨) તે ચર્યા જેનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય, ૩) બ્રહ્મચર્ય અર્થાત્ મૈથુન વિરમણ.
આગમોની વ્યાખ્યા સાહિત્ય અનુસાર બ્રહ્મચર્યનો અર્થ ચારિત્ર, આચાર, સંવર કુશલ અનુષ્ઠાન, સંયમ વગેરે છે.
મહાત્મા ગાંધીજીના મતાનુસાર મન, વચન અને કાયાથી સંપૂર્ણ ઈન્દ્રિયોનો હંમેશ માટે બધા વિષયોમાં સંયમ બ્રહ્મચર્ય છે.
તેમ જ વિનોબા ભાવેના મતાનુસાર બ્રહ્મચર્ય શબ્દનો અર્થ છે – બ્રહ્મની શોધમાં પોતાનું જીવનક્રમ રાખવું.
નિષ્કર્ષની ભાષામાં બ્રહ્મચર્યના બે અર્થ થાય ૧) મોક્ષના હેતુભૂત બ્રહ્મ અર્થાત્ સર્વ પ્રકારના સંયમની ચર્ચા અને ૨) મૈથુન વિરતિ. મૈથન સંજ્ઞા
શ્રી સ્થાનાંગ સૂત્ર’ ૪/૪માં મૈથુન સંજ્ઞાની ઉત્પત્તિનાં ચાર કારણ કહ્યાં છે ૧) શરીરમાં માંસ, રક્ત, વીર્યની વૃદ્ધિ થવાથી, ૨) વેદ મોહનીય કર્મના ઉદયથી, ૩) મૈથુન વિષયક વાત સાંભળવાથી અને ૪) મૈથુન સંબંધી ચિંતન કરવાથી.
બ્રહ્મચર્યની રક્ષા માટે “શ્રી સમવાયાંગ સૂત્ર’ અને ‘શ્રી સ્થાનાંગ સૂત્રમાં બ્રહ્મચર્યની નવ ગુતિઓ (વાડ) બતાવી છે. જેમ કે, (૧) સ્ત્રી, પશુ અને નપુંસકથી યુક્ત શય્યા, આસનનું સેવન કરવું નહિ. (૨) સ્ત્રીઓની વાતો કરવી નહિ. (૩) સ્ત્રીના સ્થાન, આસનનો ઉપયોગ કરવો નહિ. (૪) સ્ત્રીઓની મનોહર ઈન્દ્રિયો, અંગોને જોવા નહિ, તેનું ચિંતન કરવું નહિ. (૫) માદક, રસયુક્ત ભારે પદાર્થનું ભોજન કરવું નહિ. (૬) વધારે માત્રામાં ખાનપાન કે આહાર કરવો નહિ. (૭) સ્ત્રીઓ સાથે પૂર્વે ભોગવેલ રતિ કે ક્રીડા યાદ કરવી નહિ. (૮) કામોદ્દીપક શબ્દો, રૂપ, ગંધ, રસ વગેરેમાં આસક્ત રહેવું નહિ. (૯) સાતા વેદનીયના ઉદયથી મળેલ સુખમાં આસક્ત રહેવું નહિ.
તેમ જ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૧૬માં મનોવૈજ્ઞાનિક ઢબથી દશ સમાધિ સ્થાન ઈન્દ્રિય સંવર માટે બતાવ્યાં છે.
તેવી જ રીતે ‘સ્મૃતિ'ઓમાં બ્રહ્મચર્યની રક્ષા માટે આઠ અંગ દર્શાવ્યા છે, જેમ કે, અબ્રહ્મચર્ય સ્મરણ, કીર્તન, ક્રીડા, પ્રેક્ષણ, એકાંત ભાષણ, સંકલ્પ, અધ્યવસાય અને ક્રિયાનિષ્પતિ. આ આઠ મૈથુનાંગોથી દૂર રહેવાનું વિધાન છે.