________________
તાત્ત્વિક ગ્રંથો પ્રાકૃત અને સંસ્કૃતમાં રચાયેલાં તો સાથે સાથે પૂર્વકાલના મુનિ ભગવંતોએ ગુજરાતી ભાષામાં તત્ત્વજ્ઞાનના વિચારોનું વિવિધ કાવ્ય પ્રકારોમાં નિરૂપણ કર્યું છે. આ પ્રકારના સાહિત્યથી લોકો દર્શનશાસ્ત્રના અભ્યાસ માટે પ્રેરણા પ્રાપ્ત કરે છે.
આ સમય દરમ્યાન જૈન સાહિત્યને પોતાની સાહિત્યિક સેવા દ્વારા સમૃદ્ધ કરનાર અનેક જૈન સાધુ કવિઓએ વિપુલ સર્જન કર્યું છે. એમાં અવધૂ કવિ આનંદધનજી, દ્રવ્યાનુયોગી કવિ શ્રીમદ્ દેવચંદ્રજી, ગીત કવિ સમયસુંદર, કૂર્ચાલિ શારદ ઉપાધ્યાય યશોવિજ્યજી, મહોપાધ્યાય કવિ ઉદયરત્ન તથા જ્ઞાનવિમલ વગેરે નામો અત્યંત નોંધપાત્ર છે.
જૈન સાહિત્યને કેટલાક શ્રાવક કવિઓએ પણ પોતાની અદ્ભુત કૃતિઓના સર્જન દ્વારા સમૃદ્ધ કર્યું છે. જેમાં કવિ દેપાળનું નામ મહત્ત્વનું છે. એ જ રીતે સોળમી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન એવા શ્રાવક કવિ ઋષભદાસ પણ મધ્યકાલીન સાહિત્યમાં પોતાની રચનાઓ દ્વારા અતિ મહત્ત્વના કવિના સ્થાને છે. તેમણે કરેલ વિપુલ સાહિત્ય સર્જન ખાસ કરીને તેમણે રચેલ રાસાઓ જૈન સાહિત્યમાં વિશેષ મહત્ત્વના રહ્યા છે.
કવિ ઋષભદાસની કૃતિઓમાં તેમની વિદ્વતા તથા પંડિતાઈનો અનેરો સ્પર્શ જોવા મળે છે. તેઓ કર્મે અને ધર્મે જૈન હતા, તેમના આચાર અને વિચારમાં જૈનધર્મના સંસ્કાર દેખાય છે. આ જ સંસ્કારનો પડઘો-પ્રતિબિંબ તેમની રચનાઓમાં પડે છે.
કવિ ઋષભદાસ રચિત ‘વ્રતવિચાર રાસ’માં કવિનો આશય મુખ્ય વિષય તરીકે જૈન શ્રાવકશ્રાવિકાએ પાલન કરવા યોગ્ય બાર વ્રતોનું સ્વરૂપ દર્શાવવાનો છે. સાથે સાથે કવિએ બાળસુલભ એવા શ્રોતાજનોને ભાવિકોને જૈનધર્મનું જ્ઞાન સમજાવવા માટે જૈન સિદ્ધાંતોની તેમ જ જૈન તત્ત્વદર્શનની વાતો આલેખી છે. જેમ કે સુદેવ, સુગુરુ, સુધર્મ, સુશ્રાવકનું સ્વરૂપ, સમકિત, મિથ્યાત્વ, જયણા, અણગળ પાણી ત્યાગ, ચંદરવો, રાત્રિભોજનનો ત્યાગ, ભક્ષ્ય-અભક્ષ્યનો નિષેધ, આવશ્યક ક્રિયા, દાનનો મહિમા, તપ, કર્મવિપાકનો સિદ્ધાંત, શીલનો મહિમા, મનુષ્યભવની દુર્લભતા, જીવદયા, વૈદિકશાસ્ત્રનું જ્ઞાન, નીતિશાસ્ત્રોની વાતો વગેરે. આમ જૈનધર્મ-દર્શનનું જ્ઞાન તેમ જ વ્યવહારિક જ્ઞાન સંબંધી હૃદયંગમ બોધ દૃષ્ટાંતકથા વગેરેના માધ્યમ દ્વારા આલેખીને રાસાને લોકભોગ્ય બનાવ્યો છે. જે ક્રમ અનુસાર અહીં દર્શાવું છું.
સુદેવ
-
જૈનદર્શનમાં ત્રણ તત્ત્વની આરાધના કરવાનું કહ્યું છે, સુદેવ, સુગુરુ અને સુધર્મ. આ ત્રણ તત્ત્વમાંથી પ્રથમ તત્ત્વ સુદેવ છે. સુદેવમાં સિદ્ધભગવંત, અરિહંત ભગવંત શ્રેષ્ઠ છે. સિદ્ધ ભગવંત: જેમણે બધા કર્મ-બંધનોથી મુક્ત થઈ (આઠ-કર્મથી) જન્મ મરણના ચક્રથી સદાને માટે મુક્તિ મેળવી અજર, અમર, સિદ્ધ, બુદ્ધ થઈ મોક્ષ પ્રાપ્ત કરી લીધું. તેઓ સિદ્ધ ભગવંત કહેવાય છે. આવશ્યક નિયુકિતમાં સિદ્ધપદની વ્યુત્ત્પતિ કરતાં કહ્યું છે કે,
જરા
दीहकालं रयं जं तु कम्मसे सिअममटठहा । सिंअं धतं ति सिद्धस्स, सिद्धतमुव जाय ||
-