________________
ઢાલ – ૬૬ કડી નંબર ૧૭થી ૨૬માં બાવીસ પ્રકારના અભક્ષ્ય પદાર્થોની ગણતરી આપી છે. કે જે ત્યાજ્ય છે.
કવિ બાવીસ અભક્ષ્યનું વર્ણન કરતાં કહે છે કે, બાવીસ પ્રકારના અભક્ષ્ય કહ્યાં છે કે જેનો જિનભગવંતોએ પણ નિષેધ કહ્યો છે. મનુષ્યને આવું ઉત્તમ કુળ મળ્યું છે તો કુપંથ પર શા માટે ચાલવું?
કવિ ભવીજનોને કહે છે કે, અભક્ષ્ય બહુ મોટું પાપ છે અને આવા વિકટ રસ્તે ચાલવાથી ઘણું દુઃખ થાય. આ બાવીસ અભક્ષ્ય જેમ કે ઉંબરો, વડ, પીપળો છે. વળી પીપળીનાં ફળની મના કરી છે તેમ જ કાઠુંબરનાં ફળ પણ ત્યજવાં. આમ પોતાની જાતને તારવી.
વળી જિનભગવંતોએ ચાર વિગય કહી છે તે પણ અભક્ષ્ય ગણવી. જગમાં જૈનધર્મ પામ્યા છીએ, સમજ્યા છીએ તો પછી આવી વસ્તુ મોઢામાં કેવી રીતે લેવાય? જેમ કે મદિરા અને માંસ ખાવાં સારાં નથી કે જેનાથી પૂર્વની આબરૂ પણ જાય. વળી મધ અને માખણના આહારથી જીવ મેલો થાય છે.
કવિ કહે છે કે, તે મધની ઉત્પત્તિ જઈને જુઓ તો તેમાં કાંઈ સાર દેખાતો નથી. જેમ કે સર્વ રસ લઈને માખી તેનું વમન કરે છે. તો પછી આવો આહાર શા માટે કરવો? વળી ગામ બાળતાં જેટલું મોટું પાપ લાગે તેટલું જ મધનો ભક્ષણ કરવાથી લાગે એવું આપણે શા માટે બોલીએ છીએ?
બરફ, કરા તેમ જ વિષ બમણાં કહ્યાં છે. સર્વ પ્રકારની માટી પણ મુખમાં નાખવી નહિ. રાત્રિભોજન પણ છોડવું, કે જેથી દેવલોકમાં આનંદથી રમશો. વળી તુચ્છ ફળો પણ ખાવાં નહિ. જેમ કે ખાટાં બોર, જાંબુ, ટીબરું, પીલું, પીચું વગેરે નુકસાનકારક છે. વળી બહુ બીજની જાતિ પણ જાણવી જેમ કે રીંગણા અને પંપોટા વળી અંતરપટ વગરનું પિડાતું, ત્યાં જીવ દોડાવવો નહિ.
આગળ કહે છે કે, અનંતકાયને પણ ઓળખવી, ઘોલવડાનું શાક તેમ જ અજાણ્યાં ફળોને ત્યજવાં. વળી વિકૃત રસવાળા દ્રવ્યો તેમ જ બોળ અથાણું આદિને ત્યજવાં.
દૂહા || આપ અથાણું પરહરી, કંદમુલ મુખ્ય વાર્ય /
અનંતકાય નિં પરીવરઇ, તે નર મુખ્ય કૂઆરિ //ર૭ // કડી નંબર ૨૧માં કવિએ જે કંદમૂળ અને અભક્ષ્ય વસ્તુનો ત્યાગ કરે છે તે મોક્ષ દ્વારા મેળવે છે. આ વાત કહી છે.
કવિ કહે છે, બોળ અથાણાં વગેરે છોડવાં. તેમ જ કંદમૂળને પણ મુખમાં મૂકવાં નહિ. આમ જે અનંતકાયને ત્યજે છે તે મનુષ્ય મોક્ષદ્વારને મેળવે છે.
ઢાલ ૬૭ | દેસી. નંદન કુ ત્રીસલા હલરાવઈ // કંદમુલ મુખ્ય કો મમ દેજ્યુ, અનંતકાય બત્રીસુ રે / શાહાસ્ત્રમાંહિ તો અસ્યુઅ કહ્યું છઇ, કઈતાં મ ધરો રીસુ રે //ર૮ //