________________
કલી કાલિ સોની સંગ્રામ, સીલિ અંબ ફલ્યુ અભીરાંમ /
વલી મેહે વુઠો તે અતી ઘણો, જોજ્યું મહીમા સીઅલ જ તણો ।।૩૮ ।। ઢાલ – (૫૬) કડી નંબર ૨૫થી ૩૮માં કવિએ શીલનો મહિમા દર્શાવ્યો છે તેમ જ શીલવંત મહાત્માઓનાં સદષ્ટાંતો આપી શીલનું મહત્ત્વ સમજાવ્યું છે.
કવિ કહે છે કે, શીલવંતનું નામ લેવાથી મનવાંચ્છિત કામ થાય છે તેમ જ તેમના પગ પૂજવાથી રિદ્ધિની વૃદ્ધિ થાય અને સુખશાતા મળે છે. જગમાં શીલનો મહિમા ઘણો છે, જેનાથી સઘળું જગત આપણું થાય છે. વળી સુર, નર, કિન્નર, દાનવ તેમ જ દેવતાઓ વગેરે શીલવંતની સેવા કરે છે. વળી જો શીલવંત સંગ્રામમાં લડવા જાય તો તેની સામે કયો પુરુષ લડવા આવે? દેવતાઓ પણ તેની સામે ધસી જતાં નથી. આવો શીલવંતનો મહિમા છે.
શીલવંતના પગનું પાણી લઈને શરીર ઉપર છાંટવાથી બધા રોગો નષ્ટ થાય છે જેમ કે કુષ્ટ, કોઢ, તાવ વગેરે નાશી જાય છે.
અહીં સતી સુભદ્રાનું દૃષ્ટાંત આપતાં કહે છે કે, સતી સુભદ્રાની વાત સાંભળજો, જેનો વૃત્તાંત આખું જગ જાણે છે તેણે કાચા તાંતણાથી ચારણી બાંધી કૂવામાંથી પાણી કાઢી નગરના દરવાજા ઉઘાડ્યાં હતાં.
તેવી જ રીતે સતી વિશલ્યા પણ આગળ થઈ ગયા કે તેમની સ્તુતિ રામચંદ્રના મુખે થઈ છે. જેમ કે રામચંદ્ર સતી વિશલ્યાને કહે છે કે, હે શીલવંતી! તું મારી માતા સમાન છે. આ મારા ભાઈને જલદી ઉઠાડો. ત્યારે સતી વિશલ્યાએ તેના માથા ઉપર હાથ મૂક્યો અને બેભાન પડેલા પુરુષને ચેતન કર્યો. તરત જ લક્ષ્મણ ઊભો થયો અને હર્ષથી આનંદ પામ્યો. જગમાં શીલનો મહિમા આવો છે.
નારદ ઘણી આગ લગાડી ઝઘડાં કરાવે છે. એ તેના સ્વભાવની પ્રકૃતિ છે, છતાં પણ તે મોક્ષમાં ગયા એમ સમજો. માટે આ મહિમા શીલનો જ જુઓ. તેવી જ રીતે અંજના સુંદરીએ પણ શિયળ રાખ્યું હતું કે જેથી વનદેવીએ તેની રક્ષા કરીને સિંહના સંકટમાંથી બચાવી તેમ જ સૂકું વન તરત જ લીલુંછમ થઈ ગયું. વળી કલાવતીનું શિયળ પણ જુઓ, જગમાં બન્ને ભુજા દંડ પામી હતી પરન્તુ શિરોમણિ સમાન શીલ પ્રગટ થઈને ફળ્યું તેમ જ નદીના પૂર પણ પાછાં વળ્યાં.
આગળ કહે છે કે, રામચંદ્રના ઘરે સીતા હતા કે જેમણે અગ્નિ કુંડમાં પ્રવેશ કર્યો ત્યારે અગ્નિ મટીને જળ થયું. પછી તેમાંથી એક કમળ પ્રગટ્યું, તેના ઉપર સતી સીતા બેઠાં અને તેના ખોળામાં લવ અને કુશ બન્ને બેઠાં. આમ જનક પુત્રીનું નામ રહ્યું. જગમાં આવા શીલવંતીને વંદન કરો. તેવી જ રીતે વનમાં વંકચૂલ નામનો મોટો ચોર હતો. તેણે કઠિન એવું ચોથું વ્રત ધારણ કર્યું હતું. કારણ પડવાં છતાં પણ તેણે શીલને અખંડ રાખ્યું, તો તે રાજરિદ્ધિ અને ઘણી સંપત્તિ પામ્યો. કલીકાળમાં ‘સોની’ નામના એક ગામમાં શીલ થકી આંબામાં મોર આવ્યાં અને ખૂબ જ ફૂલ્યો. વળી વરસાદ પણ અતિ ઘણો વરસ્યો. આ મહિમા પણ શીલનો જ જોજો.
૧૬૯=