________________
વૈદિક શાસ્ત્ર પ્રમાણે રાજ વૈદ પણ પોતાના મુખથી એમ કહે છે કે, રાત્રિભોજન કરવાથી બહુ દુઃખ મળે છે ભોજનમાં જે ઉંદર અને કીડી જતી રહે તો આ ભવમાં અને પરભવમાં મૂર્ખ થવાય. ભોજનમાં ઉંદર અને જૂ નો સંયોગ થાય તો જલંધર નામનો રોગ વધે છે. તેવી જ રીતે કરોળિયાથી કોઢ નીકળે છે. વળી ભોજનમાં માખી જવાથી ઊલટી થાય. તેમ જ પેટમાં તીવ્ર વેદના ઊપડે. માટે તે પોતે જ વિચાર.
તેવી જ રીતે કવિએ સાત વખત પ્રસંગોપાત ક્યારે/ક્યાં પાણી ન પીવું તેની સરસ શીખ આપી છે. જેમ કે અવાવરી કોઠીનું પાણી પીવું નહિ, માથે સ્નાન કર્યા પછી (માથાબોળ સ્નાન) મોઢામાં પાણી નાખવું નહિ, ભોજનના અંતમાં પાણી પીવું નહિ તેમ જ રાત્રિ સમયે પણ પાણી પીવાની ના કહી છે. ભોગ ભોગવીને પછી પાણી પીવું નહિ, તેમ જ ઊભા ઊભા પાણી પીવાનું ક્યાંય કીધું નથી. વળી અરણ્ય ભૂમિમાં જઈને તેનું પાણી પીવું નહિ. આવી રીતે પાણી પીવાથી શરીરે ઘણા રોગો ઉત્પન્ન થાય.
રાતે પાણી પીવાથી બહુ દોષ લાગે. એક તો રોગી થવાય અને બીજુ પાપને પોષાય. વળી અનેક દોષ દેખાય છે જેમ કે પતંગિયા દીવામાં પડે છે, અનેક જીવની હિંસા થાય છે. રાત્રે ઝીણાં જીવજંતુ દેખાતાં નથી માટે આવા જીવનું ભક્ષણ થતાં પાપ લાગે છે. આમ રાત્રિભોજન પાપ કહેવાય. તે માટે ચૌવિહાર કરવો. જગમાં નિયમ, આખડીનો તે સાર છે. ક્યારે પણ અવરતિ રહેવું નહિ. તેમ જ નિત્ય જિનભગવંતની ભક્તિ કરવી.
દિવસ ઊગતાં સાથે નિત્ય શ્રી જિનપ્રતિમા આગળ જઈને નમસ્કાર ક્રો, તેમ જ ભાવથી ચૈત્યવંદન કરો. આમ પહેલાં પ્રમાદને ત્યજવો. સાધુ-ચારિત્રને સદા વંદન કરો, તેમનાં વંદન-દર્શન કર્યા વગર ક્યારેય રહેવું નહિ. જેમની પાસે સત્તાવીસ ગુણો છે એવા મુનિવરને આનંદથી વંદો. તેમ જ નિત્ય ગુરુનું વ્યાખ્યાન સાંભળવું. ભોજન કરતી વખતે સુપાત્ર દાન આપવું. નિત્ય આવી પુણ્યની કરણી કરો કે જેથી આત્માને દુર્ગતિમાં પડતાં બચાવી શકાય. જે નવપદ આદિની સક્ઝાય બોલે છે તે પુણ્ય મેળવીને સુખી થાય છે. આમ જે શ્રી દેવગુરુના ગુણ ગાય છે તે નર વહેલો મોક્ષમાં જાય છે.
મનુષ્ય ભવમાં સનાથ સ્વામી એવા જિનભગવંત આગળ કંજૂસપણું મૂકીને સત્તર પ્રકારની પૂજા કરી લહાવો લેવો. કવિ અહીં ‘નાગકેતૂનું દષ્ટાંત આપતાં કહે છે કે, “જેમ નાગકેતૂએ પૂજા કરી હતી અને કેવળજ્ઞાન રૂપી કમળા સ્ત્રીને મેળવી અને ભવરૂપી સમુદ્રથી આત્માને બચાવી સિદ્ધપુરીમાં જઈને વસ્યા. જિનપૂજાનું વર્ણન કરતાં કવિ કહે છે કે, ઘી, ધૂપ, અક્ષત લેવાં, સાથે કેસર, ચંદન, અગર પણ સારા લેવા. વળી વાલાકુંચી વસ્ત્ર અને નિવેદ્ય હોય પરંતુ જિનભગવંત આગળ શુદ્ધ ભાવથી પૂજા કરવી.
આગળ કવિ શ્રુત જ્ઞાનનો મહિમા બતાવતાં કહે છે કે, જ્ઞાનનાં પુસ્તક લખાવો એવું જ્ઞાનીઓ કહે છે. કારણ કે જ્ઞાન થકી જ જિનશાસન રહેશે. જ્ઞાન થકી જ સહુ નરનારી બોધ પામશે માટે જ આ સંસારમાં જ્ઞાન સૌથી મોટું છે. પુસ્તક અને દીપક એ બન્ને સરખા ગણાય. કારણ કે એના થકી જ અજવાળું થાય છે, એ બધી જ વસ્તુનું જ્ઞાન આપે છે. તેથી જ મનુષ્ય વિષ છોડીને અમૃત પીએ છે. માટે જ આ પાંચમા આરામાં પુસ્તક આધારરૂપ છે, સારરૂપ છે. જે જ્ઞાન દાન આપે