________________
ઢાલ – ૧૯ કડી નંબર ૮૭થી ૯૨માં ‘જૈન’ દ્વારા અપાતો તેનો પ્રતિવાદ છે. જૈનો ઈશ્વરના કર્તૃત્વનો પરિહાર કરીને બધું જ કર્મકૃત હોવાનો સિદ્ધાંત સ્થાપે છે. તેવું કવિએ સંવાદી શૈલીમાં આલેખન કર્યું છે.
પ્રતિપક્ષી કહે છે કે, હે શૈવ! તું કહે છે કે, આ જગ બ્રહ્માએ ઉત્પન્ન કર્યું છે તો બોલ, તારો બ્રહ્મા ક્યાં રહે છે? તેમ જો વિષ્ણુ જગનું પાલન કરે છે, તો આ સંસાર દુ:ખી કેમ છે? વળી જ્યારે મહેશ દેવ સંહાર કરે છે, ત્યારે તે દેવ ક્યાં જતા રહે છે? તેમના સંહારથી સહુ કોઈનો નાશ થઈ જાય છે. તો વિષ્ણુ અને બ્રહ્મા સ્થિર કેવી રીતે રહ્યા? વળી તારો ઈશ્વર જગતને ઉપદેશ આપે છે, તો ઘરે ઘરે ભીખ શા માટે માંગી? વળી જ્યારે સ્ત્રી આગળ તેઓ નાચ્યાં ત્યારે તેમનું જ્ઞાન ક્યાં ગયું? માટે આવા ઈશ્વર તને શું સુખી કરશે? કર્મ વડે સુખી અને કર્મ વડે દુ:ખી થવાય.
પૂર્વના જેવા પુણ્ય હશે તે પ્રમાણે જ તેને સુખ દુઃખ મળશે. અહીં દષ્ટાંત આપતાં પ્રતિપક્ષી કહે છે કે, તું તારા સંપ્રદાયની (ઘરની) વાત જો. વિપ્ર સુદામા પણ અનાથ હતા, કારણ કે તેમનું એવું અશુભ કર્મ હતું. માટે જ શ્રી કૃષ્ણ ભગવાન કાંઈ આપી શક્યા નહિ. માટે તું સમજ કે આ બધો કર્મનો જ સાર છે. બીજો કોઈ વિચાર કરીશ નહિ. જેમ કે કર્મ થકી જ વિષ્ણુ ભગવાને દશ અવતાર લીધા. તેમ જ કર્મ થકી બ્રહ્મા કુંભાર થયા.
કવીત ।। કરમિં રાવણ રાજ, રાહો ધડ સબિં ગમાયુ | કરમેિં નલ હરીચંદ, ચંદ કલંકણ પાયુ || પાંડુસુત વન પેખ્ય, રાંમ ધણિ હુઓ વીયુગ મુજ મંગાયુ ભીખ, ભોજ ભોગવઇ ભોગ // અઈઅહીલા ઈસ નાચ્ય, બ્રહ્મા ધ્યાનિં ચુક્યુ /
ઋષભ કહઈ રા રંક, કરમિં કોય ન મૂકઓ ।।૯૩ ।।
કવિત્ત કડી નંબર ૯૩માં કવિએ કર્મ કોઈને છોડતાં નથી, એ વાત દૃષ્ટાંતો દ્વારા ટૂંકમાં
સમજાવી છે.
કર્મ થકી જ રાજા રાવણે પોતાના બધાં જ મસ્તક ગુમાવ્યાં. કર્મના ફળ થકી નળરાજા અને રાજા હરિશ્ચંદ્રને વનમાં રખડવું પડ્યું, તો ચંદ્રએ કલંક મેળવ્યું. પાંડવ પુત્રોને વનમાં જવું પડ્યું, સીતાનો પતિ રામથી વિયોગ થયો, મુંજ રાજાને ભીખ માંગવી પડી. તો કર્મ થકી ભોજરાજાએ ભોગ ભોગવ્યાં. વળી ઈન્દ્ર અહિલ્યા આગળ નાચ્યા અને બ્રહ્મા ધ્યાનથી ચૂકી ગયા આમ રાજા હોય કે દીન, કર્મ કોઈને છોડતાં નથી.
દૂહા ||
કરિમેં કો નિવ મુકીઓ, રંક અનેિં વલી રાય ।
જઈન ધર્મમાં જે હવા, તે પણિ સહી કહઈવાય ।।૯૪ ||