________________
ઢાલ - ૧૩ કડી નંબર ૮થી ૨૩માં કવિએ બાર ભાવના તેમ જ તેના બાર ગુણ બતાવ્યાં છે. અને આ બાર ગુણોને આચાર્યના છત્રીસ ગુણો સાથે સંકલિત કર્યા છે.
બાર ભાવનાનાં બાર ગુણો વડે જે આત્માને ભાવિત કરે છે, તે સકળ પદાર્થને મેળવશે તેમ જ શિવમંદિરને જોશે અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરશે. આવા ગુણ જે પુરુષમાં છે તે મુનિ અતિ ગુણવાન છે, શ્રેષ્ઠ છે. જેમ કે જેણે ક્રોધ, માન, માયા, મદ, ઈર્ષ્યા અને કામ ઉપર વિજય મેળવ્યો છે. આવા ગુણ જે પુરુષમાં છે તે મુનિ અતિ ગુણવાન છે, શ્રેષ્ઠ છે. - આંચલી.
૧) અનિત્ય ભાવના : અનિત્ય ભાવના એમ ભાવવાની છે કે, હે મનુષ્ય! ધન, યૌવન, ગઢ, મઠ, મંદિર, કિલ્લા, દરવાજા ઈત્યાદિ સર્વ વસ્તુ સ્થિર નથી, નિત્ય નથી એમ સમજવાનું છે. - ૨) અશરણ ભાવના : અશરણ ભાવના એમ ભાવવાની છે કે, આ જગતમાં મારો કોઈ મિત્ર નથી, માતા, પિતા, પત્ની, બહેન અને ભાઈ, મને કોઈ રાખશે નહિ અર્થાત્ શરણ આપનાર કોઈ નથી. માટે ઋષભદેવનું ધ્યાન ધરો. (શરણું લો.) આ જગતમાં બીજી બધી જંજાળો છે, માયા છે. જિનવરના શરણાં વગર આ સંસારમાંથી કોઈ પણ છૂટી શકશે નહિ, પછી ભલે તે રાજા હોય કે ઈન્દ્ર હોય.
૩) સંસાર ભાવના : સંસાર ભાવના એમ ભાવવાની છે કે, આ સંસાર ઉપાધિવાળો છે, વિચિત્ર છે. અહીં એક નિર્ધન છે તો એક ધનવાન. કોઈ ચાકર છે, તો કોઈ વળી રાજા છે. એક ઘરમંદિરમાં બહુ બાળકો દેખાય છે તો એક ઘરમંદિર સંતાનવિહોણું છે. ક્યાંક ઘરમંદિરમાં બહુ રુદન થાય છે, તો એક ઘરમંદિર આનંદથી ગુંજે છે. આવું વિચિત્ર સંસારનું સ્વરૂપ દેખાય છે.
૪) એકત્વ ભાવના : એકત્વ ભાવના મુનિ એમ ભાવે છે કે, આ જગતમાં મારું કોઈ સંગાથી નથી. એકલો આવ્યો છું અને એકલો જઈશ આ સત્ય જગપ્રસિદ્ધ છે.
૫) અન્યત્વ ભાવના : અન્યત્વ ભાવના પાંચમી કહી છે. તેનો અર્થ એ છે કે, જીવ અને કાયા બન્ને જુદાં જુદાં છે. કાયામાં કાંઈ સાર દેખાતો નથી. જીવ જ્યારે કાયાને મૂકી જશે ત્યારે કાયા તેની પાછળ જતી નથી, માટે તેવું સમજીને જ કાયાનું જતન કરો. નહિતર નકામું વ્યર્થ જશે.
૬) અશુચિ ભાવના : હવે અશુચિ ભાવનાનો પ્રકાર કહું છું, સહુ સુજાણ એ સાંભળજો, આ શરીર હંમેશાં દુર્ગધી જ રહેવાનું છે માટે તેના કોઈ વખાણ કરશો નહિ.
૭) આશ્રવ ભાવના : આશ્રવ ભાવનાના ભેદ પણ સમજે. આશ્રવ થકી બહુ પાપો આવે છે માટે મોટા મુનિવરો આશ્રયદ્વારનો વ્રતથી વેગપૂર્વક નિવારણ કરે છે અને પોતે દુઃખી થતાં નથી.
૮) સંવર ભાવના : સંવર ભાવનાને સારી કહી છે, જેનાથી પાપ આવતાં અટકે છે. મુનિવર પાંચ ઈન્દ્રિયોને વશમાં રાખે છે કે જેનાથી આત્મા નિર્મળ થાય.
૯) નિર્જરા ભાવના : નવમી ભાવના નિર્જરા કહી છે, કે જેનાથી આત્મા નિર્મળ થાય છે. (શુદ્ધ થાય છે.) અને મનુષ્યના કેટલાય ભવોનાં કર્મ ખપી જાય છે અને વહેલો મુક્તિને પામે છે.
૧૦) લોક ભાવના : ચૌદ રાજલોક પ્રમાણે લોક ભાવના એમ ભાવનાની છે કે, આ આત્માએ જુદા જુદા સ્વરૂપો લઈને ચૌદ રાજલોક સ્પર્શ કર્યું છે. અર્થાત્ અનંતા જન્મ લઈને આખા લોકમાં જઈ આવ્યો છે.