________________
પુરોવચન મારા ગુરુ મારા નાથ
મારા જીવનનું એ કેવું સદ્ભાગ્ય કે નિરંજનભાઈ જેવા એક સંનિષ્ઠ સજ્જને મને તેમની જીવનસંગાથિની તરીકે પસંદ કરી. હું ઈશ્વરની એ મોટી કૃપા સમજું છું કે 52 વર્ષ સુધી આ વિદ્વાન અને સદ્ગુણી સજ્જનની નિશ્રામાં મને રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું.
મેં આ સમય દરમ્યાન તેમને ખૂબ જ નિકટતાથી નિહાળ્યા છે અને હું ચોક્કસ પણે કહેવાની હિંમત કરું છું કે આ વ્યક્તિ માનવ દેહ ધરાવતા હોવા છતાં તેઓએ જે કંઈ વિચાર્યું, તેઓ જે કંઈ બોલ્યા અને જે કંઈ કર્યું તેમાં અંતર્નિહિત માનવીયતા હતી. કહેવાતા મહાન પુરુષો અને અત્યંત સામાન્ય માનવીઓને તેઓ સમદષ્ટિથી નિહાળતા હતા.
તેઓ એટલા દયાળુ અને સદ્ગુણી હતા કે તેઓ જેના તરફ દૃષ્ટિ નાખતા તેનામાં આંતરિક સહાનુભૂતિ અને નિતાંત સ૨ળતા જોવા મળતાં. કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વને માપી લેવાની એક અદ્ભુત શક્તિ હતી. તેમના કોઈ વિદ્યાર્થીને તેમણે કદી નિરુત્સાહિત કર્યા નથી. ઊલટાનું તેમણે વિદ્યાર્થીઓને તેમનામાં રહેલા ઉત્સાહને વધુ પ્રજ્વલિત કરીને તેમના હૃદય, મન અને શ્રેષ્ઠ તત્ત્વને આત્મામાંથી બહાર લાવવાનો સતત પ્રયત્ન કર્યો હતો.
W
મારા સમગ્ર જીવન દરમ્યાન તેઓ સતત મારા મિત્ર, માર્ગદર્શક અને હિતચિંતક રહ્યા હતા. મારી આવી લાગણીઓને શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરવી એની મને ખબર પડતી નથી.
જેઓ પૂ. નિરંજનભાઈને પોતાના આત્મીયજન તરીકે પૂજ્યભાવ અને સદ્ભાવથી નિહાળે છે તેમના હૃદયમાં એમનાં લખાણો દ્વારા તેમની સ્મૃતિને દૃઢતર બનાવવાનો પ્રયત્ન કરી રહી છું.
vii