________________
જોકે મને તો નિડરતાને કારણે જીવન જેમ ઊઘડતું ગયું તેમ કોઈ બાહ્ય અભિવ્યક્તિ વગર પણ એહસાસ થતો - તેમની ચૈતસિક જીવનગતિનો, તેમની મનોવૃતિઓ અને અભિગમોનો અને તે સૌને કારણે અવ્યાખ્યય રૂપે પ્રતીત થતા - એ પ્રેમાળ કુંટુબીજનમાં પણ ભીતરમાં રહેલો - નિરપેક્ષ અલિપ્તતાનો. પરિણામે મારો પ્રેમ દઢ, ગંભીર, વિશુદ્ધ થતો ગયો- તે આદરથીય અધિક એવી ભકિતમાં પરિણમ્યો- મારા સાન્નિધ્યમાં જ ઉઘડતા જતા એક સંતસમા વ્યક્તિત્વની ભકિતમાં !
વ્યકિત તરીકે, જે કોઈ તેમના સંસર્ગમાં આવે તે સૌ પ્રત્યે - અમારું કુટુંબ - હું અને અમારાં બાળકો - તેમના સહકાર્યકરો અને તમારા સહિતના!) વિદ્યાથીઓ સહાનુભૂતિશીલ અને પ્રેમાળ જ હતા. સૌના તે મિત્ર હતા. માર્ગદર્શક હતા. પોતાના સહકાર્યકરો અને વિદ્યાથીઓ સૌને હંમેશા પ્રોત્સાહિત કરવા, પ્રેરવા કોઈનેય- વિદ્યાર્થીઓનેય હતોત્સાહન કરવા એ જ તેમનો અભિગમ હતો. તે જાણે એક પ્રકાશકેન્દ્ર હતા – સૌના હૃદયમાં કોમળતાથી પ્રવેશીને હૂંફ અજવાળાનું પ્રસારણ કરતા.
તેમનાં નૈતિક ધોરણો આ ચુસ્ત પરિપાલનથી પ્રગટતા સદાગ્રહોનો કદીય દેખાડો ન થતો, ન કદી તે ઉચ્ચારતા કે ઉપદેશતા. તે વ્યકત અને પ્રતીત થતા કેવળ તેમના અભિગમોમાં તેમના રોજિંદા વર્તમાનમાં – ને તે પણ સહજ રીતે !
આ કારણે તેમના સંપર્કમાં આવનાર સૌ કોઇના ચિત્તમાં તેમની જે મુદ્રા અંકિત થઈ છે તે એક આદરણીય અને પ્રેરક વ્યક્તિત્વની !
તો તો કેટલીબધી સદ્ભાગી? કયા શબ્દોમાં તે વ્યકત કરી શકાય? આ એમનો એક સન્નિષ્ઠ વિદ્યાક્ષેત્રીય પુરુષાર્થ ! એમના કબાટના એક ખાનામાં ચૂપચાપ અસ્પષ્ટ પડી રહેલી આ મેન્યુસ્ક્રીપ્ટ – આજથી લગભગ ૫૮ વર્ષ પહેલા ૧૯૫૨માં (બે વર્ષ પછી તેની ષષ્ઠી પૂર્તિ આવશે) લખાયેલી – અપૂર્ણ ગણાય તેવી અને ડિગ્રી માટે પણ રજૂ નહીં થયેલી આ થિસિસ ! તેને પણ પ્રગટ કરવાનો મારો મનસૂબો અને મારી મથામણ એ મારા એ આદરણીયરૂપે તેમના ચરણકમળમાં અર્પિત કરવાના ભકિતભર્યા સ્વપ્રને મૂર્ત કરવાની અભિવ્યક્તિ છે! એ ભક્તિ નિરંજનના દેહવિલય પછી હજીય જેમની તેમ છે !