________________
સમર્પિતમ્
આ પ્રકાશન તો મારું કેવળ નમ્ર સમર્પણ છે – નિરંજનને તેના જ પુરુષાર્થ પરિણામનું તેને જ અર્પણ – મારા માત્ર શ્રધ્ધા અને સમાદરના અર્થરૂપ સ્નેહપુષ્પો સાથે.
મારા જીવનનું એ કેવું અમૂલ્ય સદ્ભાગ્ય કે મને મળ્યા નિરંજન પતિરૂપે તેમજ ગુરુરૂપે ! અમારા સુદીર્થ સહજીવન પંથ પર પાછી નજરે નિહાળું છું ત્યારે જણાય છે કે અમે તો પોત પોતાની વિદ્યાર્થી અવસ્થામાં હતાં ત્યારથી જ પરસ્પર પરિચિત હતાં – નિરંજન ત્યારે કોલેજનો યુવાન વિદ્યાર્થી અને હું હાઇસ્કૂલની કિશોર વિદ્યાર્થિની !
કયાં અજ્ઞાત પરિબળોએ અમારો હૃદયયોગ પ્રેર્યો તે તો અશેય વિધિરહસ્ય છે. પણ આજે હૃદયમાં એટલો ઉદ્ગાર પ્રગટે છે કે મારું એ પરમ સભાગ્ય હતું કે આ પુરુષવિશેષદ્વારા હું વરણી - સ્વીકૃતિ અને જીવનભરનો પ્રેમ પામી ! - મારા એ સદ્ભાગ્યની પૂરી પ્રતીતિ તો મને ત્યારે થઈ, જયારે ઠીકઠીક દીર્ઘસમયની અમને પકવતી, પુખ્ત કરતી પ્રતીક્ષા બાદ અમારાં લગ્ન થયા પછી તેની પુખ્તમાનમા પતી અને ઉત્સુક શિષ્યા તરીકેના અનુભવથી એ વ્યક્તિત્વના વ્યાપ અને ઊંડાણનો મને સાક્ષાત્કાર થયો!
સમગ્ર જીવન દરમ્યાન મને પતિ તરીકે સ્નેહસિંચન કરનાર, જાળવનાર, એટલું જ નહીં પણ મને વિદ્યા આપનાર તેમજ, વ્યવહારિક જીવનમાર્ગ પર નૈતિક અને આધ્યાત્મિક એવા પ્રવાસમાં ય નિરંતર વિશુદ્ધિથી ઉત્થાન પ્રેરતા માર્ગદર્શક ગુરુરૂપે આવો સહપાન્થી મને લાધવો એતો દિવ્ય કૃપાથી પ્રાપ્ત વરદાન જ લેખાય.
નિરંજનનું વ્યક્તિત્વ કેવું હતું ! વિદ્વાન, સ્વપ્રશીલ હેતુલક્ષી કેળવણીકાર, તેમજ સૌજન્યશીલ વ્યવહારદક્ષ, મધુર, નિરહંકારી, વિશાળહૃદયી તથા માનવીય સંબંધોમાં સંયત તેમજ સૈધ્ધાંતિક બાબતોમાં નિશ્ચલ અને બિનસમાધાનકારી એવા વ્યકિત તરીકે તેમને જાણનાર સૌ કોઈ તેમનો પ્રેમ આદર કરતા.