________________
જીવવિચાર રાસ એક અધ્યયન પોતે પણ લખે છે કે -
ગ્યવરી મઈહઈષી રે દીસઈ દૂઝતાં, સુરતરૂ ફલીઉ રે બાર્ય, સકલ પદારથ ઘરિ મિં લહ્યા, થિર થઈ લડી રે નાર્ય.
- વ્રતવિચાર રાસા આ ઉપરાંત અમે ખંભાત ગયા ત્યાં પણ એક લોકવાયકા સાંભળવા મળી કે કવિ એક પગે ઊભા રહીને ચાર ચાર સામાયિક કરતા તથા કવિની આખા દિવસની લેખનની પ્રવૃત્તિ જાણીને એમના ગુરૂએ એમને પૂછ્યું કે તમારે અર્થોપાર્જન કરવાની જવાબદારી છે કે નહિ? ત્યારે કવિએ કહ્યું કે મારી દસ પેઢી ખાય એટલું ધન મેં યોગ્ય સ્થળોએ મારા ઘરમાં સુરક્ષિત રાખ્યું છે. પણ જેના નસીબમાં હશે એમને જ મળશે. માટે મારે અર્થોપાર્જનની જવાબદારી નથી. કહેવાય છે કે પછી જેમણે એમનું ઘર વેંચાતું લીધું એમણે ત્યાં ખોદકામ કરાવ્યું તો એમાંથી ઘણા ઘડા નીકળ્યા એમાંથી અમુક ઘડા ખાલી હતા તો અમુક ઘડામાં માટી કે કોલસા નીકળ્યા હતા. તો વળી વાડામાંના ઘડાને સાચવીને પાછા ડાટી દેતા એ ઘડા જમીનમાં ક્યાં સરકી ગયા તેની ખબર પડી નહીં. એક પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પણ નીકળી હતી. આ બધાથી સિદ્ધ થાય છે કે કવિ ધનાઢય હતા. શ્રી અને સરસ્વતીનો સુભગ સંગમ એમનામાં હતો. ૨) પારિવારિક પરિબળ - કૌટુંબિક વાતાવરણ પણ વ્યક્તિત્વને નિખારવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગૃહકંકાશ વ્યક્તિત્વને રૂંધે છે જ્યારે સંપ સુલેહ વ્યક્તિત્વને નિખારે છે. કવિના પરિવારજનો વિનયી, સમજુ, પરગજુ, સહનશીલ, સૌજન્યશીલ હતા તેમ જ સંયુક્ત પ્રેમાળ કુટુંબને કારણે કવિનું વ્યક્તિત્વ ખીલ્યું હતું. કવિના શબ્દોમાં જ જોઈએ.
સંપ બુહ મંદિરમાં ચ લહે હયગય વૃષભો ને ગાય, પુત્ર વિનીત ઘરે બહુય, શીલવંતી ભલી વહૂઅ. - હિતશિક્ષા રાસ.
સંપ, સંપત્તિને કારણે કવિ ઋષભદાસને પોતાના વહેવાર - વ્યાપારનો ભાર પરિવારજનોને સોંપીને પોતાનો મોટા ભાગનો સમય પઠન - પાઠન - લેખનમાં જ પસાર કરવાની સુવિધા સહજતાથી પ્રાપ્ત થઈ હશે. આમ સંપ, સંપત્તિ અને કીર્તિ ને કારણે પણ વ્યક્તિત્વ વિકસ્યું હતું. તેમ જ પુત્ર પરિવારનો ખૂબ જ સાથ મળ્યો હતો એમ કહી શકાય. ૩) રાજકીય પરિબળ - અકબર બાદશાહના વખતમાં જીતાયેલા ગુજરાતમાં જહાંગીરના વખતમાં શાંતિ સ્થપાઈ ગઈ હતી. એ વખતે ઘણા કવિઓ થયા અને કાવ્યો રચાયા. ‘ઋષભદેવનો રાસ’માં ખંભાતના વર્ણનથી સિદ્ધ થાય છે કે ત્યારે જહાંગીરનું રાજ હતું.
‘તપનત્તર પોલીઉં કોટ દરવાજા, સાહા જહાંગીર જસ નગરનો રાજા.”