________________
૭૯
જીવવિચાર રાસ એક અધ્યયન અપ્રમત્તદશાનું સૂચન કરે છે. તેમ જ નિદ્રા વિજેતાની પ્રતીતિ કરાવે છે. એક પગે ઊભા રહીને માળા ફેરવવી એ એમના સુદઢ આરોગ્યનું નિર્દેશન કરે છે, એમની. જાત્રાઓ શારીરિક સૌષ્ઠવને દર્શાવે છે. છઠ્ઠ અઠ્ઠમ પૌષધ વગેરે તપસ્યાઓ એમના તપપ્રધાન માનસને છતું કરે છે. દાન ધરમ વગેરે એમના પરોપકારીપણાને ઉજાગર કરે છે.
આમ શ્રાવક કવિ ઋષભદાસના રોમેરોમમાં ધર્મનો રણકાર હતો. ૫) આદ સરસ્વતી પુત્ર - સરસ્વતીના પરમ ઉપાસક, સાધક, પૂજક હતા. એમની દરેક કૃતિની શરૂઆત સરસ્વતીની પ્રશસ્તિ – સ્તુતિથી થઈ છે. તેમના પર સરસ્વતી દેવીની કૃપા હતી એવી એક દંતકથા નીચે પ્રમાણે પ્રચલિત છે. “શ્રી મહાવીરની ૫૮મી પાટે જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિ થયા, તેમની પાટે સવાઈ જગદગુરૂ એવું બિરૂદ ધરાવવાવાળા શ્રી વિજયસેનસૂરિ ૫૯માં થયા. આ સૂરિની પાસે શ્રાવક ઋષભદાસે વિદ્યાભ્યાસ કરવા માંડ્યો હતો. એક દિવસે પોતાના કોઈ એક શિષ્ય માટે સરસ્વતી દેવીને પ્રસન્ન કરીને શ્રી વિજયસેનસૂરિએ પ્રસાદ (લાડવો) મેળવ્યો હતો જે પ્રસાદ (લાડવો) રાત્રે ઉપાશ્રયમાં જ સૂઈ રહેલા ઋષભદાસના જાણવામાં આવ્યો આથી તે પ્રસાદ પોતે જ આરોગી લીધો અને તે મહાવિદ્વાન થયા. સવારમાં ઊઠતાં જ પોતે - ‘પ્રહ ઊઠી વર્દૂ રિખવદેવ ગુણવત્ત, પ્રભુ બેઠા સોહે સમવસરણ ભગવન્ત. ત્રણ છત્ર વિરાજે ચામર ઢોલે ઈન્દ્ર, જીવનના ગુણ ગાવે સુરનારીના વૃન્દ. એ અને બીજી કેટલીય થોચો બનાવી. આમ કવિ ઋષભદાસનો પ્રથમ પ્રાદુર્ભાવ આ પ્રમાણે થયો. ‘રામનું સ્વપ્ન ભરતને ફળ્યું એ કથન મુજબ અન્ય માટેનો સરસ્વતી પ્રસાદ ઋષભને મળ્યો તેથી તે ઉત્તમ કાવ્યો કરવા લાગ્યા, અને વિદ્વાન કવિ ગણાયા.”(કવિ ઋષભદાસ એક અધ્યયન - પ્રો. વાડીલાલ ચોકસી પૃ. ૨૬)
જો કે આ દંતકથા તર્કસંગત નથી લાગતી. એક તો ઋષભદાસ જન્મજાત શ્રાવક હતા. પરંપરાગત શ્રાવક હતા. તેથી રાત્રે લાડવો ખાય એ વાત અસંગત છે. એવી જ રીતે વ્રતધારી શ્રાવક હોવાને કારણે અન્યનો પ્રસાદ વગર પૂછુયે - અદત્ત પ્રસાદ - પોતે આરોગે એ વાત પણ ગળે ઉતરે એવી નથી. પાછા વ્યાસણા કરવાવાળા અને એ પણ મંદિરમાં ભગવાનની સામે પ્રસાદ આરોગે શું?! પ્રસાદનો એક અર્થ કૃપા થાય છે. એ અર્થમાં લઈએ તો સરસ્વતી દેવીની કૃપા એમના પર ઊતરી હતી એમ લઈ શકાય. વળી જેના દર્શન અનુસાર તો એમના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જોરદાર હતો એ જ અર્થઘટન વધુ યોગ્ય લાગે છે. એ વગર આવી રચનાઓ ન થાય.
આ દંતકથા બાજુએ રાખીએ તો પણ એટલી વાત તો સત્ય છે કે કવિ પોતાની દરેક કૃતિમાં સરસ્વતીની ભક્તિપૂર્વક સ્તુતિ કરી, તેમનો પાડ અને પ્રભાવ