________________
પ્રકરણ - ૨ શ્રાવક કવિ ઋષભદાસનું વ્યક્તિત્વ, કવિત્વ અને કર્તૃત્વ
કાળ પ્રવાહ માટે કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે "Men may come & Men may go but I go forever." “માણસો તો આવે ને જાય છે પણ હું તો નિરંતર વહ્યા જ કરું છું.”
સમયસાગરનું અંતઃસ્થલ માનવમોતીઓથી ભરપૂર છે. સમયે સમયે તેમાંથી અનેક માનવમોતી પોતાના કોઈ ન કોઈ આદર્શ લઈને ધરતી પર આવે છે અને પોતાના ચમક, તેજ અને નૂરથી વિશ્વને ઝગમગાવી દે છે. શ્રદ્ધા, નિષ્ઠા, પ્રેમ, અહિંસા, સત્ય, જ્ઞાન જેવા ગુણોનો અમૂલ્ય ખજાનો વિશ્વ સમક્ષ ધરી આખીએ આલમને કૃતાર્થ કરી દે છે.
આ અમૂલ્ય ખજાનો એમના પ્રબળ પુરૂષાર્થનું પરિણામ હોય છે. આવા મહાપુરૂષો પોતાની અદ્વિતીય પ્રતિભા વડે આર્ય સંસ્કૃતિના પ્રવાહને અવિરત વહેતો રાખે છે. પોતાના વાણી વર્તનથી સમાજમાં રૂઢ થયેલી વિકૃતિઓને ઉખાડે છે. માનવમનમાં સ્વાર્થવૃત્તિની જે ભરતી આવી હોય છે એમાં ઓટ લાવવાનું કામ આ મહામાનવ જ કરે છે. સમાજમાં પેસી ગયેલી સંપત્તિની ઉપાસનાની વૃત્તિને દૂર કરી સવૃત્તિનો પ્રવેશ કરાવવાનું કામ પણ તેઓ જ કરે છે. સમાજમાં પ્રસરેલી કુમતિને સંસ્કૃતિમાં ફેરવવાનું કામ પણ તેમનું જ.
આવી વિરલ વ્યક્તિઓના સમૂહમાંથી આજે હું જેનો પરિચય કરાવવા માંગું છું તે છે - સત્તરમી સદીમાં વિદ્યમાન હતા એ શ્રાવક કવિ ઋષભદાસ.
“શ્રાવક કવિ ઋષભદાસ” કોઈ પણ વ્યક્તિનો પરિચય મેળવવો હોય તો એની વંશ પરંપરા જોવી જોઈએ. મુખ્યત્વે જન્મવંશ અને વિદ્યાવંશ એ બે આર્ય પરંપરા અને આર્યસાહિત્યમાં હજારો વર્ષથી જાણીતા છે. પાણિનીય વ્યાકરણસૂત્રમાં વિઘાનિસંઘો પુત્ર ૪/૩/૭૭ પણ એનો ઉલ્લેખ છે. એટલે આવા બે વંશની સ્પષ્ટ કલ્પના પાણિનીયથી પણ બહુજ જુની છે.
જન્મવંશ અર્થાત્ યોનિસંબંધ પ્રધાનપણે ગૃહસ્થાશ્રમ સાપેક્ષ છે જયારે વિદ્યાવંશ અર્થાત્ વિદ્યાસંબંધ પ્રધાનપણે ગુરૂપરંપરા સાપેક્ષ છે.
અહીં પ્રથમ કવિના જન્મવંશ વિશે અને પછી વિદ્યાવંશ વિશે આલેખન પ્રસ્તુત કરીશ.
જન્મવંશ વિશે લખવાનું હોય ત્યારે તેની એટલે એની સાથે લોહીનો સંબંધ